અમદાવાદ, તા.ર૬
ભાદરવામાં થોડાક દિવસો કડક તડકાનો અનુભવ થયા બાદ મેઘ સવારી ફરી આવી પહોંચતા રાજ્યમાં અનેક સ્થળોએ દેકારો બોલાવ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ મેઘાએ બગદાટી બોલાવી દેતાં પાણી જ પાણી કરી નાખ્યું હતું. રાજ્યમાં ૧૬ તાલુકાઓમાં સામાન્યથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ઉકળાટથી લોકોને શાંતિ મળી હતી ગરમીથી લોકોને રાહત મળી હતી. અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. અમદાવાદના નરોડા, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, વટવા, ઈસનપુર, પીપળજ, લાલદરવાજા, રાયપુર, એસજી હાઈવે, પ્રહલાદનગર, ગીરધરનગર, બાપુનગર અને અસારવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે પવન ફુંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા. મહત્ત્વનું છે કે, જો વધારે વરસાદ પડશે તો નવારાત્રીમાં ગરબાનું આયોજન થતા મેદાનોમાં પાણી ભરાવાનો ભય છે જેથી આયોજનકોમાં ચિંતા જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે ખરા બપોરે વાપીના આકાશમાં અંધકાર છવાઇ જતાં ધોળા દિવસે પણ વાહનચાલકોએ વાહનોની લાઈટો ચાલું રાખી રસ્તા પસાર કર્યા હતા. સુરત જિલ્લાના બારડોલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક ભારે પવન સાથે તો કેટલાક સ્થળે ધીમીધીરે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં ત્રણ ઈંચ ખાબક્યો હતો. આણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આણંદ-વિદ્યાનગર કરમસદ-બાકરોલ સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો. શહેરના બપોર બાદ છૂટોછવાયો વરસાદ થયો. સરથાણા અને વરાછા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. દાહોદ જિલ્લામાં પણ મેઘસવારી જોવા મળી હતી. દાહોદના સંજેલીમાં ધોધમાર વરસાદ ખાબક્ય હતો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવું વહેણ પસાર થઇ રહ્યું હતું. મહેસાણાના વાતાવરણમાં પણ એકાએક પલ્ટો આવ્યો હતો. મહેસાણામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પ્રાંતિજમાં પણ સવારે ધોધમાર વરસાદથી સવત્ર પાણી પાણી થઈ ગયું હતું. અમરેલી જિલ્લામા ફરી વખત મેઘરાજાનું આગમન થયું. અમરેલીના દામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ આવતા બફારાથી લોકોને રાહત મળી હતી. ગત ર૪ કલાકમાં ગુજરાતના ૧૬ તાલુકાઓમાં સામાન્યથી લઈ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.