(એજન્સી) નવી દિલ્હી, તા.પ
કેન્દ્રના નવા વરાયેલા રાજ્યકક્ષાના મંત્રી અને કર્ણાટકના સાંસદ અનંતકુમાર હેગડે બે કેસોનો સામનો કરી રહ્યા છે. જેમાં તેઓ સામે ડૉક્ટરની મારઝૂડ કરવા અંગે અને ધિક્કારપાત્ર ભાષણના કેસો છે. સતત પાંચ વખત ભાજપના સાંસદ ચૂંટાયેલા અનંતકુમાર હેગડે નવા કૌશલ વિકાસ રાજ્યમંત્રી બન્યા છે. તેમને આ વર્ષે દિલ્હી જવા પર ૬ માસનો પ્રતિબંધ લગાવ્યો હતો. તેમની સામે સીરસીમાં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતાં ડૉક્ટર પર હુમલો કરવાનો આરોપ છે. હેગડે આ કેસમાં મુખ્ય આરોપી છે. હેગડે સામે તહોમતનામું કોર્ટમાં ર૧ ઓકટોબરે દાખલ કરાયું હતું. પોલીસ કેસમાં હેગડે સામે ડૉક્ટર મધુ કેશવર અને ડૉ.બાલચંદ્ર ભટ્ટ અને ડૉ.રાહુલ માહેલકર સામે મારપીટનો આરોપ છે. જાન્યુઆરી-રના રોજ હેગડેની માતાના પગની સારવાર બરાબર નહીં કરવા સામે આરોપ છે. હોસ્પિટલે દાવો કર્યો છે કે હેગડેના ભાઈ-માતાને બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માંગતા હતા. તે પહેલાં માતાને પ્રાથમિક સારવાર પૂરી પડાઈ હતી. છતાં હેગડેએ ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ડૉક્ટરોએ કેસ નહીં કરવા માટે નિર્ણય કર્યો હતો પરંતુ આ મારપીટના સમાચાર ચેનલો પર વાયરલ થતાં પોલીસે સુઓમોટો હેઠળ હેગડે સામે સીસીટીવીના આધારે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ કરવર કોર્ટે હેગડેના શરતી જામીન મંજૂર કર્યા હતા અને જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ મૂકયો હતો. હેગડે સામે ૬ માસ સુધી ચાર્જશીટ ફાઈલ કરવામાં કર્ણાટક પોલીસ નિષ્ફળ જતાં કરવર કોર્ટે હેગડે પર પ્રવાસ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. હેગડેએ ૧૧ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી સંસદ સત્રમાં હાજરી માટે પ્રવાસ અંગે કોર્ટની પરવાનગી માંગી હતી. હેગડે સામે ર૮ ફેબ્રુઆરી ર૦૧૬માં સીરસીમાં ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ એક પ્રેસવાર્તા દરમિયાન ઉશ્કેરાટભર્યા કરેલા નિવેદન પછી તેમની સામે કેસ દાખલ કરાયો હતો. ઓકટોબર-૧૯ના રોજ તહોમતનામું દાખલ કરાયું હતું. ભટકલ ગામના સંખ્યાબંધ મુસ્લિમ યુવકોની ત્રાસવાદ હેઠળ ધરપકડ અંગેના એક પ્રશ્નના જવાબમાં હેગડેએ કહ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વમાં ઈસ્લામ છે ત્યાં સુધી ત્રાસવાદ રહેશે. જ્યાં સુધી ઈસ્લામને દુનિયાભરમાંથી ભૂસી નહીં નંખાય ત્યાં સુધી દુનિયામાંથી ત્રાસવાદ નાબૂદ નહીં કરી શકાય. હેગડેએ ઈસ્લામને ટેકીંગ બોમ્બ ગણાવ્યો હતો. આ વિસ્ફોટક નિવેદન પછી સ્થાનિક કોંગ્રેસ નેતા લુકમાન બાંટવાલે પોલીસ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ હેગડેને કોર્ટે પુનઃ આવી ધાર્મિક ભાવના દુભાય તેવા નિવેદન નહીં કરવાની શરતે જામીન આપ્યા હતા. હેગડેએ તેમની સામે આ ખોટો કેસ ગણાવ્યો હતો. હેગડે સામે બે કેસ પડતર છે. જેની સુનાવણી શરૂ થઈ નથી. અગાઉ ઘણા રમખાણના કેસો તેમની સામે દાખલ થયેલા હતા. ભટકલમાં હિંસા ફેલાવવાનો આરોપ પણ છે. ૧પ ઓગસ્ટ ૧૯૯૪માં હેગડેએ પ્રતિબંધિત હુકમનો ભંગ કરી વિવાદિત હુબલીના ઈદગાહ મેદાનમાં પ્રવેશ કરી બે સાથીઓ સાથે મળી ઈદગાહ મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારબાદ ફાટી નીકળેલ રમખાણોમાં પોલીસ ફાયરિંગમાં ૮ લોકોનાં મોત થયા હતા. તે ઘટના તરફ સંઘનું ધ્યાન જતાં હેગડે સંઘપ્રિય બની ગયા. ત્યારબાદ આ ઘટના પછી ભાજપે બદલારૂપે તેમને ઉત્તર કર્ણાટકમાં ટિકિટ આપી. હેગડેએ કોંગ્રેસના માર્ગરેટ આલ્વાને ૧૯૯૬માં હરાવ્યા. આ બેઠક પર માર્ગરેટ આલ્વા સતત જીતતા હતા. પરંતુ મતોનું ધ્રુવીકરણ થતાં કોંગ્રેસના ઉમેદવારને કુલ ૧૪ લાખ મતોમાંથી ફકત ૧.૭૦ લાખ મતો જ મળ્યા હતા. ર૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આર.વી.દેશપાંડેને હરાવ્યા હતા. દેશપાંડેના પુત્ર પ્રશાંત પર મુઝાહિદ્દીન ત્રાસવાદીઓ રીયાઝ અને યાસીન ભટકલને શરણ આપવાનો આરોપ હતો. કોમી કાર્ડ ખેલી મોદીના વાવાઝોડામાં હેગડે જીતી ગયા. તેમની આ સતત પાંચમી જીત હતી. હેગડે એક ધંધાદારી છે. ફકત ધો.૧ર સુધી ભણેલા છે. તેઓ શરૂઆતના દિવસોમાં છૂટક કામ કરતા હતા. મૈસૂરમાં રોજીંદા કામે જતા હતા. હેગડેએ રીયલ હિન્દુ અંગે પોતાની જાતને રજૂ કરવા ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. જેમાં ૩૦૦ ખ્રિસ્તીઓને ઘરવાપસીના પ્રસંગનો ઉલ્લેખ છે.