અમદાવાદ, તા.રર
ગુજરાતના ખેડૂતોની માગણીઓને ટેકો આપવા અને દેવા માફીની માંગને બુલંદ બનાવવા તથા ડેરીઓ અને સંઘો દ્વારા દૂધના પ્રાપ્તિ ભાવમાં પ્રતિ કિલોફેટમાં ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કરી પશુપાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આથી પશુપાલકોને ન્યાય મળે તે માટે અને સંઘોની નફાખોરી સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં ધરણા પ્રદર્શનો યોજી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત ધરણા-પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ખેડૂતોની સંખ્યામાં સાડા ત્રણ લાખનો ઘટાડો અને ૩૬ લાખ ખેત મજદૂરો છેલ્લાં દસ વર્ષમાં ઉમેરો થયો છે. ખેતીની જમીનમાં સતત ઘટાડો થયો છે. વેપારી ઉદ્યોગકાર, ખેડૂતો તમામ લોકોને નોટબંધીથી નુકસાન થયું છે. ત્યારે દેશના વડાપ્રધાને દેશના લોકોને જણાવવું જોઈએ કે, નોટબંધીથી કોને લાભ થયો ?
રાજ્યમાં ખેડૂતોના આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વિજળી કે પાણી મળતા નથી કે તેમને ખેતઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે છે, તે ભાવે પણ ખરેખર ખરીદી થતી નથી. તે જ રીતે પાકવીમાના નાણાં પણ ખેડૂતોને મળતા નથી. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નિતી અને ગ્રામ્ય વિરોધી નીતિના લીધે ખેડૂતો-પશુપાલકોની કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ છે. ખેડૂતો સતત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. ઉપરાંત પશુપાલન વ્યવસાય પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. રાજ્યમાં મોંઘી વીજળી, ખાતરના સતત વધતાં ભાવો, મોંઘુ બિયારણ-જંતુનાશક દવાઓને લીધે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે અને આપઘાત જેવું અંતિમ પગલું ભરી રહ્યા છે.