ગાંધીનગર, તા.ર૯
રાજ્યમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના અને સંવર્ધનમાં સક્રિય ભાગીદારી-જાગૃતિના ઉમદા હેતુસર દર વર્ષે તા.રથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ રાજ્યભરમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સાથે સાથે વિવિધ સ્થળોએ વિવિધ વિષયો પર સેમિનાર-કાર્યશાળા યોજાશે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના રપ૦ તાલુકાઓમાં અંદાજે ૧ર૦૦ કાર્યક્રમોમાં આશરે ૧૮થી ર૦ લાખ લોકો પ્રત્યક્ષ રીતે સહભાગી થશે જ્યારે આશરે ૧.રપ કરોડ લોકો સુધી વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ પહોંચાડવાનું આયોજન કરાયું છે.
વન્ય પ્રાણી વ્યવસ્થાપનમાં પ્રાણી અને માનવ વચ્ચે સંઘર્ષ ટાળવા તેમજ સંરક્ષણ અને સંવર્ધન અંગે ૮ જેટલા વિષયો પર રાજ્યના વિવિધ ૮ સ્થળોએ સેમિનાર-કાર્યશાળા યોજાશે. જેમાં રીંછ અને માનવ વચ્ચે સંઘર્ષ નિવારવા માટે તા.ત્રીજી ઓક્ટોબરના રોજ જેસોર ખાતે, તા.૪થી ઓક્ટોબરના રોજ સારસ ક્રેનના સંરક્ષણ માટે ગાંધીનગર ખાતે, ઘોરડના સંરક્ષણ માટે ભૂજ ખાતે, મગર અને માનવ વચ્ચે ઘર્ષણ નિવારવા તા.પમી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે, વુલ્ફના સંરક્ષણ માટે છઠ્ઠી ઓક્ટોબરના રોજ જૂનાગઢ ખાતે, ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે ૭મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ડુગોંગ-સમુદ્રી ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે ૭મી ઓક્ટોબરના રોજ મીઠાપુર ખાતે તેમજ દીપડા અને માનવ વચ્ચે ઘર્ષણ નિવારવા તા.૮મી ઓક્ટોબરના રોજ રતનમહાલ ખાતે સેમિનાર/કાર્યશાળાનું આયોજન કરાયું છે.