(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લીધે ર૧૯ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પ હજારથી વધુ પશુઓ મોતને ભેટ્યા હોવાનો અંદાજ છે. હાલ વરસાદ રોકાયો છે અને પૂરની સ્થિતિ હળવી બની છે છતાં તૂટી ગયેલા રોડ રસ્તા અને બ્રિજને કારણે ત્રણ નેશનલ હાઈવે, ૧પ સ્ટેટ હાઈવે ર૬૬ પંચાયતના રસ્તા તથા ૩૯ અન્ય મળી ૩ર૩ રસ્તાઓ હજી બંધ છે. જેને ચાલુ કરવા તંત્ર દ્વારા પ્રયાસો જારી છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે ઝડપથી રાહત-બચાવ કામગીરી શરૂ કરી છે. તેની વિગતો આપતા રાહત નિયામક એ.જે. શાહે જણાવ્યું હતું કે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મીની ૯ કોલમ, એન.ડી.આર.એફની ૩૩ ટીમ, એસ.ડી.આર.એફની ૧૧ ટીમ, બીએસએફની ૧૮ પાર્ટી, એરફોર્સના ૧૭ હેલિકોપ્ટર્સ ઉપરાંત ફાયર બ્રિગેડ તથા સ્થાનિક લોકોની જાંબાઝ કામગીરીના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં ૧,૧ર,૮૭૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ૧૮,૬૮૮ રેસ્ક્યુ કરી બચાવી શકાયા છે. આ કામગીરીમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ પ૯,૧૧૯ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે જ્યારે રાજ્યના વરસાદગ્રસ્ત સાબરકાંઠા, મહેસાણા, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લાઓમાં અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ર૧,રરર લોકોને સ્થળાંતરિત કરાયા છે. અત્યારસુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૭ હેલિકોપ્ટર્સ દ્વારા ર૦૬ ટ્રીપ કરાઈ છે અને ૮૪પ લોકોનું એરલિફ્ટિંગ કરાયું છે જે લોકોને પૂરની ભયજનક સ્થિતિમાંથી બચાવી લેવાયા હતા. તેમાં એનડીઆરએફની ૩૩ ટીમ દ્વારા ૬પ૩૧ આર્મીની પાંચ કોલમ દ્વારા ૬૩૯૭, બીએેસએફની ૧૮ પાર્ટીઓ દ્વારા ર,ર૩૩, એસડીઆરએફની ૧૧ ટીમ દ્વારા ૭પ૬, ફાયરબ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ૧,૯ર૯ જ્યારે એરફોર્સ દ્વારા ૧૭ હેલિકોપ્ટર્સની મદદથી આજ સુધીમાં કુલ ૮૪પ લોકોને એરલિફ્ટિંગથી બચાવી લેવાયા છે. આમ રાજ્યમાં ૧૮,૬૮૮ લોકોના જીવ બચાવી શકાયા છે. રાજ્યમાં ૭૩૭ ગામોમાં વીજ પુરવઠાને ચાલુ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારે પીવાના પાણી માટે ૧૩૪ વધારાના ટેન્કર મૂક્યા છે. વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૮૮૩ આરોગ્ય ટીમ દ્વારા ૧૯.૩૪ લાખ લોકોનો સર્વે કરાયો છે.
આજે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે એનડીઆરએફ બટાલિયન સાતના કમાન્ડન્ટ આર.એસ.જૂન અને ડાયરેક્ટર ઓપરેશન રાવ વિજય કુમાર ઈન્ડિયન નેવીના કમાન્ડર કલ્પેશ રાવલ સાથે રૂબરૂ મળીને મહેસૂલમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેઓની અદ્‌ભૂત કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે ગઈકાલે મુખ્યમંત્રીએ પણ આપની કામગીરીને બિરદાવીને ભારોભાર વખાણો કર્યા હતા તે બદલ તેમણે આભાર માન્યો હતો. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સહિત નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ તથા રાજ્યના વહીવટીતંત્રે ખડે પગે ઊભા રહીને જે કામગીરી કરી છે તે સરાહનીય છે.