અમદાવાદ,તા.૧પ
કાશ્મીરમાં થઈ રહેલ હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર તરફથી ફુંકાતા કાતિલ ઠંડા પવનોને લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. જયારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. કાતિલ ઠંડીના પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે. ૮.૪ ડિગ્રી જેટલા નીચા લઘુત્તમ તાપમાનને લીધે આજે નલિયાવાસીઓએ કાતિલ ઠંડીનો સામનો કર્યો હતો. જયારે રાજયમાં અન્ય સ્થળોએ પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તે જોતા આગામી દિવસો કાતિલ ઠંડીના હશે. શુક્રવારે રાજયમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ગગડી ગયો હતો.
જ્યારે રાજયમાં ૮.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર બની ગયું હતું. જયારે અન્ય સ્થળોમાં અમરેલીમાં લઘુત્તમ તાપમાન ૯.૩, ભૂજમાં ૯.૮, કંડલામાં ૧૧, રાજકોટમાં ૧૧.૧, વલસાડમાં ૧૧.૬, સુરેન્દ્રનગરમાં ૧ર, ડીસામાં ૧ર.૧, અમદાવાદમાં ૧૩.૬, તથા વડોદરામાં ૧૬.૪ અને સુરતમાં ૧૬.૭ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે આવનાર દિવસોમાં ઠંડી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.