(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોઈ તેની આચારસંહિતા અમલમાં આવે તે અગાઉ જ ગુજરાતમાં વિવિધ પ્રકારના ઢગલાબંધ પ્રોજેકટસ-યોજનાઓના ખાતમુહૂર્ત- લોકાર્પણો-ઉદઘાટન કાર્યક્રમો પાર પાડવા રાજય તથા કેન્દ્ર સરકારએ કમર કસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ કાર્યક્રમો પાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું અને આવા કુલ મળીને આશરે ૧.પ૦ લાખ કરોડના પ્રોજેકટસ તૈયાર કરાઈ રહ્યાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં તા.૧ર અને ૧૩ના રોજ તેમજ તા.૧૭મીએ અને તે પછી ઓકટોબર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી પછીના સમયગાળા દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થઈ શકે છે. માટે તે પહેલા ઉદઘાટન અને યોજનાઓની જાહેરાતોના કાર્યક્રમો કરવા જરૂરી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજય સરકાર અને કેન્દ્ર સરકારે મળીને લગભગ ૧.પ૦ લાખ કરોડના પ્રોજેકટસ તૈયાર કર્યા છે અને આચારસંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન તથા મુખ્યમંત્રી તેના ઉદઘાટન લોકાર્પણ ખાતમુહૂર્ત કરી નાખશે. કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક મંત્રીને અને સેક્રેટરીને તેવા તમામ ડેવલોપમેન્ટ પ્રોજેકટની તૈયારી કરવાના આદેશ આપ્યા છે જેના ઉદઘાટન મુખ્યમંત્રીએ કરવાના છે. ઉલ્લેખનીય છે કક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો ગુજરાત મુલાકાત દરમ્યાન અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહુર્ત કરશે. આ સિવાય લગભગ રપ૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટસનો પણ પાયો નાખવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય ૧૭મી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેકટનું ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે વડનગર જઈને પ૦૦ કરોડની નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો પણ પાયો નાખી શકે છે. આ સિવાય રજી ઓકટોબરના રોજ પોરબંદરની મુલાકાત લેવા ઉપરાંત રાજકોટમાં પણ પ્રોગ્રામમાં ભાગ લઈ શકે તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી છે. આ સિવાયના કાર્યક્રમોનું પણ આયોજન વિચારણા હેઠળ હોવાની વિગતો બહાર આવી છે. ટૂંકમાં આચારસંહિતા લાગુ થવા પહેલા સુધીમાં સંખ્યાબંધ પ્રોજેકટ-યોજનાઓના અમલીકરણ-જાહેરાતો થવાની શકયતા સૂત્રો વ્યકત કરી રહ્યા છે.