(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં ચોમાસાની વિદાય થવી જોઈએ તેના બદલે બમણા જોરથી વરસી રહ્યો છે. અગાઉ નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી તેના બદલે ૧૩૭ ટકા જેટલો વરસાદ વરસી ચૂકયો છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન દેવભૂમિદ્વારકાના ભાણવડમાં સૌથી વધુ ૧૩ જામકંડોરણામાં ૯ ઈંચથી વધુ, કલ્યાણપુરમાં અને જામનગરના જામજોધપુરમાં ૮.૮ ઈંચ તૂટી પડયો હતો. એ જ રીતે રાપરમાં ૭ ઈંચ જેટલો, ખંભાળિયામાં સાડા છ ઈંચ જેટલો અને લોધિકામાં ૬ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે.
રાજ્યના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોઈએ તો જોડિયામાં ૧૧૬ મી.મી., ભચાઉમાં ૧૧૫ મી.મી., ભેંસાણમાં ૧૧૦ મી.મી., ગોંડલમાં ૧૦૯ મી.મી., અંજારમાં ૧૦૩ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૧૦૨ મી.મી. અને રાજકોટ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તે મુજબ સવાર સુધી રાજયના ૧૫ તાલુકાઓમાં ૪ ઈંચથી ૧૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે સવારથી બપોરે ૪ વાગ્યા સુધી પાંચ તાલુકામાં ચારથી સાડા પાંચ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.
તે ઉપરાંત બે ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હોય તેવા ૩૨ તાલુકાઓ છે. જેમાં ધોરાજી, માણાવદર, મોરબી, રાણાવા, ટંકારા, ગાંધીધામ, જામનગર, લાલપુર, માળિયા-મિયાંણા ધ્રાંગધ્રા, કોટડા સાંગાણી, વાડિયા, હારિજ, વંથલી, પોરબંદર, તલાલા, જેતપુર, રાધનપુર, ઉપલેટા, વાંકાનેર, કેશોદ, મુંદ્રા, માળિયા, વિસાવદર, ધ્રોલ, બેચરાજી, કાલાવાડ, માંગરોળ, મહેસાણા, પડધરી, થાનગઢ, અને મેંદરડા તાલુકાઓનો સમાવેશ થાય છે જયારે ૩૧ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
પોરબંદરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ૨ ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં ૪ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી મંદિરમાં ૪થી ૫ ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી ૨થી ૩ ફૂટ પાણી ભરાયેલા છે. જામનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ૪થી ૧૪ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોને સાવચેત કરાયા છે. એક ફૂટ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકસાન પહોંચ્યું છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. ૨ ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
દરમિયાન આજે સવારના ૬ કલાકથી બપોરના ૪ કલાક સુધી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચથી વધુ જ્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
છેલ્લા ૧૦ કલાકમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સૌથી વધુ ૧૪૨ મી.મી., સતલાસણામાં ૧૦૯ મી.મી., રાધનપુર માં ૯૮ મી.મી., કાંકરેજમાં ૮૭ મી.મી., દિયોદરમાં ૮૬ મી.મી., સિદ્ધપુરમાં ૭૯ મી.મી., પ્રાંતિજમાં ૭૩ મી.મી., પાટણમાં ૭૧ મી.મી., વિસનગરમાં ૬૯ મી.મી., સૂઇ ગામમાં ૬૫ મી.મી., હિંમતનગરમાં ૬૨ મી.મી., સરસ્વતીમાં ૬૧ મી.મી., હારીજમાં ૫૭ મી.મી., મહેમદાવાદમાં ૫૬ મી.મી., વડગામમાં ૫૨ મી.મી., સમીમાં ૫૧ મી.મી. અને કેશોદમાં ૫૦ મી.મી., એમ રાજ્યનાં કુલ ૧૭ તાલુકામાં સાડા પાંચ ઈંચથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યનાં ૩૫ તાલુકામાં એક થી બે ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

હજી ચાર દિવસ દક્ષિણ-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે અને પૂર્વ ઉત્તર તરફ આગળ વધીને ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી આ વરસાદી સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારી વરસાદ પડી શકે છે. ૧લી ઓક્ટોબરના દિવસે અમદાવાદ સહિત, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગાંધીનગર, અરવલ્લી, આણંદ, વડોદરા અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી અને ત્રીજી ઓક્ટોબરના રોજ એટલે કે, ચોથા અને પાંચમાં નોરતાના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી છે.