અમદાવાદ, તા.૧૯
જાણે કે ઋતુચક્ર ફરી ગયું હોય તેમ રાજ્યમાં ચોમાસા બાદ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીને બદલે છેલ્લા દસેક દિવસથી લોકો કાળ-ઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આકાશમાંથી રીતસર આગના ગોળા વરસતા હોય તેવી ગરમીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ૩૮થી ૪૦ ડિગ્રીની નજીક રહેવા પામ્યો છે ત્યારે ગરમીને લઈ દિવાળીના તહેવારોમાં લોકો તોબા પોકારી ગયા છે. ત્યારે હજુ પણ એકાદ સપ્તાહ સુધી આવી જ ગરમી પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ શિયાળાનું ક્યાંય નામો નિશાન જોવા મળતું નથી. ફૂલ ગુલાબી ઠંડીને બદલે રાજ્યભરમાં લોકો કાળ-ઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ૩૮થી ૪૦ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. એકાદ સપ્તાહથી શરૂ થયેલી કાળ-ઝાળ ગરમીએ લોકોને આકરા ઉનાળાનો અનુભવ કરાવ્યો છે. જો કે આસો મહિનો પૂરો થયો છે. ત્યારે પણ ઠંડીનો જરાય અહેસાસ ન થતાં લોકો આને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવી રહ્યા છે. બુધવારે રાજ્યના ૧૦ કરતા વધારે શહેરોમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો ત્યારે ગરમીથી ત્રસ્ત લોકો ગરમીનું પ્રમાણ કયારે ઘટશે અને શિયાળાની શરૂઆત કયારે થશે ? તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આ ગરમીના કારણે કપાસ સહિતના રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે બીજી તરફ ખેડૂતો ઘઉંની વાવણીની રાહ જોઈ રહ્યા છે જો કે દિવાળી આવી હોવા છતાં વાતાવરણમાં ઠંડકનું નામો નિશાન ન જોવા મળતાં લોકો આને ગ્લોબલ વોર્મિંગ કે ઋતુચક્રનો ફેરફાર ગણાવી રહ્યા છે.