અમદાવાદ, તા.૩૦
ગુજરાતમાં મોસમના સરેરાશ વરસાદનો સો ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યનો સરેરાશ વરસાદ ૮૧૦ મીમી છે. આજે મોસમનો કુલ વરસાદ ૮૧૬.૮૭ મીમી નોંધાયો છે જે ૧૦૦.૮પ ટકા થયો છે. રાજ્યમાં સમયસર અને યોગ્ય માત્રામાં વરસેલા વરસાદથી ડાંગર, કપાસ, મગફળી અને કઠોળનું ઉત્પાદન ઘણું સારું થશે અને ઘાસચારાની ઉપલબ્ધિ પણ વધશે એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં ખૂબ જ સારા, સપ્રમાણ અને સમયાંતરે થયેલા વરસાદને કારણે ખરીફ પાકોમાં કટોકટીની અવસ્થાએ પૂરતો ભેજ જળવાઈ રહ્યો છે. પરિણામે સિંચાઈની મર્યાદિત સગવડ ધરાવતા વિસ્તારોમાં પણ ખરીફ પાકો પર ખૂબ જ સાનૂકૂળ અસર થઈ છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધીમાં ડાંગર, મગફળી, સોયાબીન અને કઠોળના પાકોમાં રાજ્યમાં પાછલા વર્ષોની સરેરાશ કરતા પણ વધુ વાવણી થઈ છે. પૂરતો જળસંગ્રહ હોવાથી કપાસ, દીવેલા અને તુવેર જેવા લાંબાગાળાના પાકોને કટોકટીની અવસ્થાએ પિયત પણ આપી શકાશે. સારા વરસાદથી રાજ્યના ભૂમિજળના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાના કારણે આગામી રવિઋતુનું ચિત્ર પણ ખૂબ જ ઉજળું અને આશાસ્પદ ઉપસી રહ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ડાંગર, જુવાર, મકાઈ અને બાજરી જેવા ધાન્ય પાકો, મગ, મઠ, અડદ જેવા કઠોળ પાકો તથા મગફળી, સોયાબીન, તલ જેવા તેલીબિયા પાકો અને કપાસનું વાવેતર વધુ થયું છે. હાલમાં તમાકુ અને એરંડાનુ વાવેતર ચાલુ છે જેના વાવેતર વિસ્તારમાં વધારો થવાની પૂરી સંભાવના જોવાઈ રહી છે.