અમદાવાદ, તા. ૧૬
અમદાવાદ, સુરત અને રાજ્યના અન્ય જુદા જુદા ભાગોમાં આ વર્ષે ડેન્ગ્યુએ આતંક મચાવી દીધો છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા હોવાના દાવા હજુ સુધી ડેન્ગ્યુ રોગ ઉપર કાબુ મેળવવામાં સફળતા હાથ લાગી નથી. ડેન્ગ્યુના કારણે અમદાવાદમાં પણ તંત્ર સાવધાન બનેલુ છે. આ વખતે ચોમાસાની ઋતુ વધારે લાંબા સમય સુધી ચાલી છે. સાથે સાથે કમોસમી વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. દરમિયાન સુરત શહેરમાં ડેન્ગ્યુનો વાવર છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યો છે અને હવે તો જાણે માઝા મૂકી રહ્યો છે. મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુની બીમારીમાં સુરતના પુણા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું મોત નીપજ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરતમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૧૭ લોકો ડેન્ગ્યુની સારવાર હેઠળ આવ્યા છે, ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે ડેન્ગ્યુની બીમારીમાં ૧૭ વર્ષીય કિશોરીના મોત બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પરંતુ કિશોરીના પરિવારજનોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તો, સ્થાનિક નાગરિકોએ સુરતમાં ગંદકી અને સ્વચ્છતા મુદ્દે તેમ જ મચ્છરના ઉપદ્રવને નિવારવામાં સુરત મનપાની નિષ્ફળતાને લઇ આકરા પ્રહારો કરી ભારે રોષ વ્યકત કર્યો હતો. પુણાની એક સોસાયટીમાં એક જ ઘરના પાંચ જેટલા લોકોને ડેન્ગ્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ શહેરમાં મ્યુનિ.તંગની સત્તાવાર માહિતીમાં ડેન્ગ્યુના રોગચાળામાં ઘટાડો થયો હોવાનું જણાવાય છે પરંતુ હકીકતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુ સહિતના વિવિધ રોગના દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, મધ્ય અને દક્ષિણ-પશ્ચિમઝોનના વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી જાય છે. ઉપરાંત રાજ્યના જામનગર, રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ડેન્ગ્યુનો ભારે આતંક જોવા મળી રહ્યો છે.