ગાંધીનગર, તા.૧૨
વયોવૃદ્ધ અને અશક્ત નાગરિકોને સ્થળ પર સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઈલ વાનનો આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રારંભ કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ મોબાઈલ વાનનું નિરીક્ષણ કરી તેમાં ઉપલબ્ધ સુવિધાઓની રસપૂર્વક માહિતી મેળવી હતી. ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ફિઝિયોથેરાપી અને નર્સિંગ ફેકલ્ટી દ્વારા સેવાના હેતુથી શરૂ કરાયેલા નવીન આયામ દ્વારા ગાંધીનગરના આજુબાજુના ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ તેમજ ગામોમાં ફિઝિયોથેરાપી અને નર્સિંગને લગતી સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ મોબાઈલ વાનમાં ચાર પ્રોફેસરો સહિત ફિઝિયોથેરાપી અને નર્સિંગના વિદ્યાર્થીઓ ગામે ગામ જઈ ફિઝિયાથેરાપીની જરૂર હોય તેવા દર્દીઓને સ્થળ પર જ સારવાર આપશે. આ દર્દીઓ અંગે અગાઉથી સર્વે કરીને એક ચોક્કસ રૂટ પણ બનાવવામાં આવ્યો છે. જેનાથી જરૂરિયાતમંદને સારવાર આપી શકાય વધુમાં આ ફિઝિયાથેરાપી અને નર્સિંગ મોબાઈલ વાનમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણનો દુખાવો જેવા દર્દમાં વિવિધ સારવાર આપવામાં આવશે. આ આરોગ્યલક્ષી સેવા જે તે સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીનગર અને તેની આજુબાજુના ૩૬ જેટલા વૃદ્ધાશ્રમ-સ્વૈચ્છિક સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વટવા, પ્રાંતિજ, અડાલજ, ગાંધીનગર, મહુડી, કલોલ, લાંભા, માણસા, જૂના વાડજ, નાનાકડી, અમદાવાદ અને સરખેજ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે.