(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાત સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાની વાતો કરે છે અને બીજી તરફ ખર્ચાઓ વધવાને કારણે જાહેર દેવું વધી રહ્યું છે, ત્યારે જો ખરેખર જ સરકારના આવકના સ્ત્રોતો તરફ ધ્યાન કેન્દ્રીત કરાય અને આવકના સ્ત્રોત થકી થતી ચોરી-ભ્રષ્ટાચાર અંકુશમાં લેવાય તો સરકારને કરોડોની આવક મળી શકે તેમ છે. ખનિજ ક્ષેત્ર સરકારની આવક રળી આપવાનું મુખ્ય સ્ત્રોતો પૈકીનું એક છે, ત્યારે આ ક્ષેત્રે સરકારના ઉદાસિન વલણને લઈ કરોડોની આવક સરકારને મળવાને બદલે ચોરી થઈ જતી હોવાની સંખ્યાબદ્ધ ફરિયાદો ઊઠતી રહે છે. આના ઉપરથી જ અંદાજો મેળવી શકાય તેમ છે કે, સરકાર દ્વારા ખનિજ ચોરી કરતા પકડાયેલાઓ પાસેથી રૂા.૧૧૯૬ કરોડની દંડની રકમ વસૂલવાની હજુ બાકી છે, તો જે ચોરી પકડાઈ નથી, તેનો આંક કેટલો હશે, તેની કલ્પના જ કરવી રહી ! ગુજરાત સરકારની આવકના મુખ્ય સ્ત્રોત સમાન ખનિજ ક્ષેત્રે રાજ્યભરમાંથી ચોરી થતી હોવાની છાશવારે ફરિયાદો મોટાપાયે ઊઠતી રહે છે. સરકાર દ્વારા એક તરફ પારદર્શકતા લાવવા ખનિજના કામના બ્લોક્સ બનાવી તેની ઓનલાઈન હરાજી કરવાનું શરૂં કરાયું છે, પરંતુ જ્યાં સરકાર દ્વારા આ રીતે હરાજી થઈ નથી અથવા તો ખનિજ કે ગૌણ ખનિજ કાઢવાનું બંધ કરાયું છે, તેવા સ્થળોએથી પણ બિન્દાસ્ત ખનિજ ચોરી કરીને ટ્રકો દ્વારા હેરફેર કરાય છે. જેના કારણે ખનિજ ચોરો માલામાલ બને છે તો સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકારના દફતરેથી જ ખનિજ ચોરી અંગેની હકીકત બહાર આવતી રહે છે. જેમાં આ વખતે વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારના મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યભરમાંથી ખનિજ ચોરી પેટે કરવામાં આવેલા કેસોમાં રૂા.૧૧૯૬.૩૪ કરોડની રકમ વસૂલવાની હજુ બાકી છે. જેમાં સૌથી વધુ રૂા.૫૦૧ કરોડથી વધુની રકમ એકલા પોરબંદર જિલ્લામાંથી વસૂલવાની બાકી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ખનિજ ચોરીમાં પોરબંદર રાજ્યમાં પ્રથમ છે. બીજા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂા.૧૯૧ કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખનિજ ચોરી અંગેની મોટાપાયે ફરિયાદો અને તેમાં મળી આવતી આટલી મોટાપાયે ખનિજ ચોરીને લઈ સરકાર દ્વારા ફ્લાઈંગ સ્કવોડ થકી ચોરી અટકાવવાના પ્રયાસો કરાય છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોડ રાજ્યભરમાં જ્યાં ખનિજ ચોરીની વિગતો મળે ત્યાં દરોડા પાડી પગલાં લેતી હોય છે, ત્યારે સરકારી દફતરેથી જ અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, રાજ્યના ૧૪ જિલ્લા એવા છે કે, ત્યાં છેલ્લા બે વર્ષમાં એક પણ વાર આ સ્કવોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા નથી. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, મહિસાગર, પંચમહાલ સહિતના ૧૪ જિલ્લાઓ પૈકી ચાર જિલ્લા (કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ) એવા છે કે, જ્યાં લાઈમ સ્ટોન અને બેલા પથ્થર મોટાપાયે મળે છે, તે પૈકી દેવભૂમિ દ્વારકામાં બોકસાઈટનો એશિયાનો સૌથી મોટો જથ્થો છે, તેવા જિલ્લાઓમાં કરોડોની ચોરી થતી હોવા છતાં એક પણ દરોડો ન પડાતા આશ્ચર્ય ઊભું થાય છે. ઉલ્લેખનીય છે કે, આ જિલ્લાઓમાં અગાઉ જ્યારે પણ દરોડા પડાયા છે. કરોડોની ચોરી પકડાઈ છે. બાકીના અન્ય ૧૭-૧૮ જે જિલ્લા છે, તેમાં પણ વર્ષ દીઠ ૧પ-૧૬ વખત જ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા દરોડા પડાયા છે અને બે વર્ષમાં રૂા.૮૦ કરોડ જેટલી ખનિજ ચોરી તેમાં પકડાઈ હતી. જેના પરથી જણાઈ આવે છે કે, ખનિજ ચોરી થાય છે, પરંતુ તેને નાથવા (અટકાવવા) યોગ્ય કામગીરી સરકાર દ્વારા થતી નથી, પરિણામે સરકારને કરોડોની આવક ગુમાવવી પડે છે.
રાજ્યમાં ખનિજ ચોરો બેફામ : ચોરીના કેસોના રૂા.૧૧૯૬ કરોડથી વધુ વસૂલવાના બાકી !

Recent Comments