મોરબી, તા.૧૯
રાજ્યમાં લઘુમતીઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લિમ ૯.૭ %, જૈન ૧.૦ %, ખ્રિસ્તી ૦.પ %, શીખ ૦.૧ %, બોદ્ધ ૦.૧ %, તેમજ અન્ય ૦.૧ %, છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં લગભગ ૮ર.૩ % મુસ્લિમ બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે ત્યાં જ એને મેટ્રીક સુધી પહોંચતા સુધીમાં આ ટકાવારી ઘટીને ૩ર.પ % રહી જાય છે. આ એક ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે.
સચ્ચર સમિતિની ભલામણો પછી દેશમાં ર૦૦૬માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઈ, જેનો મુખ્ય ધ્યેય દેશના લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો છે. જે માટે શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ, વકફ વિકાસ, પ્રધાનમંત્રી ૧પ સૂત્રીય કાર્યક્રમ, સરકારી પરીક્ષાઓની તૈયારી માટે સહાય, MSDP જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. લઘુમતી મંત્રાલય ભારત સરકારના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં આ યોજનાઓની અમલવારી લગભગ શૂન્ય છે. ગુજરાતમાં અલગથી કોઈ લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલ નથી તેમજ રાજ્યના બજેટમાં લઘુમતી ઉત્કર્ષ માટે અલગથી કોઈ જ નક્કર ફાળવણી કરવામાં આવેલ નથી. તેવી રજૂઆત મોરબીના મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં કરી છે. જેમાં માગણીઓ કરવામાં આવી છે કે, રાજ્ય લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્યના બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવામાં આવે. રાજ્યના લઘુમતી બહુલ ક્ષેત્રોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે. રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે. મદ્રસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે. લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે. કોમી તોફાનોથી આંતરિક વિસ્થાપિત થયેલા લોકોના પુનઃ સ્થાપન માટે પોલીસીની રચના કરવામાં આવે. પ્રધાન મંત્રીના નવા ૧પ સુત્રીય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવાની માગણી કરી છે.