અમદાવાદ,તા.૧૮
લાંબી રાહ જોવડાવ્યા પછી રાજયમાં શિયાળો જામી રહ્યો છે કાશ્મીરમાં થયેલ હિમ-વર્ષાને પગલે તેમજ રાજયમાં વાદળો વિખેરાતા ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ૧૦.૬ જેટલા નીચા લઘુત્તમ તાપમાનમાં નળિયાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જયારે આવનાર દિવસોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી શકયતા વર્તાઈ રહી છે.
રાજયમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. દિનપ્રતિદિન ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે જયારે ઠંડા પવનો ફુંકાતા વાતાવરણ પણ ઠંડક ભર્યું બન્યું છે રાજયમાં આજે નલિયામાં લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી જયારે ભૂજ, વલસાડ અને અમરેલીમાં ૧૪.૬, રાજકોટમાં ૧૪.૭, વડોદરામાં ૧પ, કંડલામાં ૧પ.પ, ગાંધીનગરમાં ૧૬, અમદાવાદમાં ૧૬.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. લઘુતમ તાપમાનમાં આવનાર દિવસોમાં ઘટાડો થવાની શકયતાઓ જોતા, આવનાર દિવસોમાં ઠંડી વધશે જયારે હાલ પણ ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે.