(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૬
ગુજરાતની ભાજપ સરકાર મોટા ઉપાડે પારદર્શક વહીવટની વાત કરે છે પરંતુ એક પછી એક કૌભાંડ તેનો પીછો છોડી રહેલ નથી. મગફળીકાંડે, તુવેરકાંડ અને તે પછી ખાતરમાં વજન ઓછું હોવાના કૌભાંડ બાદ હવે નકલી બિયારણનું કૌભાંડ બહાર આવતા રાજયભરમાં તે અંગે ચકચાર ઉઠતા અને ખેડૂતોમાં રોષ ઉભો થાય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હાલમાં તો ગાંધીનગર જિલ્લાના માણસામાં ખેડૂતોને નકલી બિયારણ પધરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પરંતુ રાજયના અન્ય સ્થળોએ જો આ નકલી બિયારણ બહાર આવ્યું તો વાત વધુ વણસે તેવા એંધાણ મળી રહ્યા છે. હાલમાં તો કૃષિ વિભાગની ટીમે દુકાન સહિત છેક સુધીની તપાસ હાથ ધરી છે.
ભાજપ સરકારના શાસનમાં છેલ્લ ઘણા સમયથી એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. મગફળીકાંડથી શરૂ થયેલો સિલસિલો જારી રહેતા ઓછા વજનના ખાતર કૌભાંડ બાદ હવે નકલી બિયારણનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં નકલી બિયારણ ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે. આ નકલી બિયારણને લીધે ખેડૂતોની મહેનત છતાં પાક નિષ્ફળ નીવડે છે. જેથી જો આ કૌભાંડ રાજયમાં અન્યત્ર સ્થળે પણ બહાર આવ્યું અને તેમાં મોટાપાયે ખેડૂતોને તેનો ભોગ બન્યાની હકીકત ખુલશે તો ખેડૂત આલમ ક્રોધે ભરાય અને બબાલ વધુ વકરે તેમ જણાય છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની બિયારણ વેચતી એક દુકાનમાંથી આ નકલી બોગસ બિયારણ વેચાતું હોવાની ફરિયાદ મળતા રાજયના કૃષિ વિભાગની ટીમે તે દુકાનની તપાસ હાથ ધરી છે. આ નકલી બિયારણની થેલીઓ કયાંથી પેક થાય છે. તેનું વેચાણ કયા કયા સ્થળો પર થઈ રહ્યું છે તે તમામ વિગતોની સઘન તપાસ કૃષિ વિભાગે હાથ ધરી છે. આ સાથે દુકાન પરથી બિયારણ ખરીદનારા ખેડૂતોની સઘળી વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે જે બિયારણની વાત બહાર આવી છે તે સ્પર્શ એગ્રો કંપની અંગે પણ ઘનિષ્ઠ તપાસ કૃષિ વિભાગે શરૂ કરી છે. કૃષિ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ માણસા જીઆઈડીસીમાં ઘણા સ્થળોએ બીટી કોટન ઉત્પાદનના યુનિટ આવેલા છે કૃષિ વિભાગની ટીમે આ તમામ જગ્યાઓએ પણ તપાસ શરૂ કરી દીધી છે. કોઈપણ ગેરકાયદે બિયારણ કે દવાઓ જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે.

ભાજપની નિષ્ફળતાને કારણે સરકારના મળતિયાઓ દ્વારા કૌભાંડોનું કારસ્તાન

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાને કારણે સરકારના મળતિયા દ્વારા કારસ્તાન થાય છે. કણ વાવીને મણ ભેગું કરવાના સ્વપનાં જોતા જગતના તાતના જીવનમાં બે છેડા ભેગા નથી થતા ખેડૂતો કરજદારો બન્યા છેને આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. નકલી ખાતર, નકલી દવા અને નકલી બિયારણ વેચનારા પર સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ પરેશ ધાનાણીએ કરી હતી. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં નકલી ખાતર, નકલી દવા, નકલી બિયારણ વેચીને જનતાને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાજમાં ખેડૂતો કણ વાવીને મણ લેવાના ખેડૂતોના સપના ચકનાચુર કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાજમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે.