અમદાવાદ, તા.૫
રાજ્યના ૭૪ તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ જારી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં માત્ર ૪ કલાકના ગાળામાં જ સાડા છ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. તાપી જિલ્લાના વ્યારામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. બીજી બાજુ પંચમહાલમાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૪૮ મીમી એટલે કે છ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન ૮૧ મીમી એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત શહેરમાં તથા કામરેજમાં સવારે છથી આઠના બે કલાક સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ૧૦ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલી, ઉચ્છલ, મહુવા (સુરત), બાલાસિનોર, ખેરગામ, સોનગઢ, વાલોડ, કુકરમુંડા, ચીખલી અને વાંસદાનો સમાવેશ થાય છે. સવારે ૧૦ વાગ્યા સુધીના છેલ્લાં ચાર કલાકમાં ૧૪ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ૧૧૧ મીમી એટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિ બની હતી. કોજવે પાણીમાં ગરકાવ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે મેઘરજ, માલપુર અને બોડેલી તાલુકામાં ૯૧ મીમીથી વધુ, હાલોલમાં ૮૪ મીમી એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ ૧૨૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ચીખલી, જાંબુઘોડા, સોનગઢ, દાહોદ, ઉચ્છલ અને ઉમરેઠ મળી કુલ ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ૩ ઈંચથી ઓછો, જ્યારે ઘોઘંબા, વાંકાનેર, વાંસદા, ધરમપુર, ગોધરા, કુકરમુંડા, ગણદેવી, વીરપુર, દેવગઢબારિયા, લુણાવાડા, નસવાડી, લીમખેડા, ડોલવણ, વઘઈ, શહેરા, ગરૂડેશ્વર, સિંગવાડ, વાલોડ, કપરાડા, સિનોર, વાઘોડિયા અને નાંદોદ મળી કુલ ૨૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ૩૩ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ અને એક ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૫૪ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજિયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૭૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૪૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. આગામી બે દિવસ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં સામન્યથી મધ્યમ વરસાદ રહેશે. તો બે દિવસ ભારે વરસાદ સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.