(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર મેઘરાજાએ બરાબરની મહેરબાની કરતાં છેલ્લા ર૪ કલાકમાં ૧૩૦થી વધુ તાલુકામાં અડધાથી ૯ ઈંચથી વધુ વરસાદ પડતાં પાણીની સમસ્યાનો ધીમે ધીમે અંત આવી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૯ ઈંચથી વધુ, જાંબુઘોડામાં સવા ૬ ઈંચ, ચિખલીમાં પ ઈંચ, ગણદેવી, બોડેલી, વાંસદા, મહુવા અને વઘઈમાં ચાર ઈંચ આસપાસ વરસાદ તૂટી પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન સૌથી વધુ ઉમરપાડામાં ૯ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જાંબુઘોડામાં સવા ૬ ઈંચ, ચીખલીમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેરગામ, ગરબાડા, વ્યારા, ડોલવણ, ચૂડા અને છોટાઉદેપુરમાં ૩.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સીંગવડ, લીમખેડા અને ઉચ્છલમાં સવા ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વાપી અને કામરેજમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. મોરવા હડફ, દાહોદ, માંગરોળ અને સુબીરમાં ૨.૫ ઇંચ, વાલોડ, માંડવી, જલાલપોર, નવસારી, ડાંગ, ગોધરા, ઝાલોદ, ખેરગા, બાલાસિનોર, ફતેપુરા, નિઝર, સોનગઢ, કુકરમુંડા અને માલપુરમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે.
મહીસાગર જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં પાણીની આવક ૧૬૧૧૦ ક્યુસેક નોંધાઈ છે. પરિણામે છેલ્લા ૨ દિવસમાં ડેમની જળસપાટી વધીને ૩૯૨.૯ ફૂટે પહોંચી છે.
આ તરફ નવસારીમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. જિલ્લામાં ૨ કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે ચીખલીથી પસાર થતી કવારે નદીમાં નવા નીર આવ્યા છે અને નદી પર બનાવેલો કોઝવે પરથી પાણી વહી રહ્યુ છે. તાપી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં વ્યારામાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડમાં સવા બે ઈંચ અને ડોલવણમાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી ૨૭૬.૧૮ ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક ૪૨૦૦ ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક ૬૦૦ ક્યુસેક છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજ્યનાં ૨૫ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગણદેવી, બોડેલી, અને વાંસદામાં ચાર ઇંચથી વધુ, મહુવા(સુરત), વઘઇ, વ્યારા, સુરત શહેરા, દોલવાણ, ચુડા, છોટાઉદેપુર, સિંગવાડ, લીમખેડા, ઉચ્છલ અને વાપી મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ, મોરવા હડફ, દાહોદ, માંગરોળ, સુબીર, બારડોલી, વાલોદ, માંડવી(સુરત), જલાલપોર, નવસારી અને આહવા મળી કુલ ૧૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે ૩૫ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને બે ઈંચથી ઓછો વરસાદ તેમજ ૨૨ તાલુકાઓમાં અડધા ઈંચથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે ૪૩ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સાયકલોનિક સીસ્ટમ સર્જાઈ છે જેને લઈએ હવામાન વિભાગે રાજયમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજયમાં હાલ વરસાદ પડી રહ્યો છે પરિણામે ચોતરફ હરિયાળી છવાઈ ગઈ છે. હાઈવે પરથી પસાર થતા વરસતા વરસાદમાં રસ્તાની બંને તરફ હરિયાળી જોઈ આંખો ઠરી જાય છે.