Ahmedabad

રાજ્યમાંથી ચોમાસુ વિદાય તરફ તા.૧૧- ૧રમીએ હળવા વરસાદની વકી

અમદાવાદ,તા.૭
રાજયમાં અષાઢ અને શ્રાવણમાં બારેમેઘ ખાંગા થતા ભારે વરસાદ પડયો હતો જયારે ભાદરવાની શરૂઆતમાં પણ વરસાદ રહ્યો હતો જો કે છેલ્લા ચાર દિવસથી રાજયમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે પુનઃ તા.૧૧ અને ૧ર સપ્ટેમ્બરે રાજયમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે તે જોતા હવે રાજયમાંથી ધીમેધીમે ચોમાસુ વિદાય લઈ રહ્યાના સંકેતો દેખાઈ રહ્યા છે. રાજયમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે વાતાવરણમાં બાફ અને ઉકળાટ વધ્યો છે. જેને લઈને લોકો પરેશાન છે જો કે આટલો વરસાદ પડયા છતાં વાતાવરણમાં જોઈએ તેવી ઠંડકની અનુભૂતિ હાલ થઈ રહી નથી. બીજી તરફ ભાદરવો પણ આગળ વધતાં હાલ ચોમાસુ વિદાય લઈ રહ્યાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજયમાં જુલાઈ અને ઓગસ્ટમાં મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાથી લોકોના જીવ અધ્ધર થઈ ગયેલ હતા બનાસકાંઠા પાટણ જિલ્લાના અનેક વિસ્તારોથી લોકોએ ભારે પૂરનો સામનો કરવો પડયો હતો. સપ્ટેમ્બરથી વરસાદ વિરામ તરફ રહેતા અત્યારે વાતાવરણ ચોખ્ખું છે. તા.૧૧ અને ૧રમીએ રાજયના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. પરંતુ આગાહી મુજબ ગુજરાતમાંથી મેઘરાજા વિદાય તરફ છે કોઈ અણધારી સીસ્ટમ કાર્યરત ન થાય તો આ વર્ષે હવે ભારે વરસાદના દિવસો પુરા થઈ ગયાનું માનવા લાયક છે. રાજયમાં સરેરાશ વરસાદના ૧૦પ ટકા વરસાદ પડી ગયો છે. ૬૩ ડેમોમાં અત્યારની સ્થિતિએ ૧૦૦ ટકા પાણી ભરેલુ છે આવતા વર્ષ માટે પીવાના પાણીનો અને ઘાસચારાનો પ્રશ્ન ઘણો હળવો થઈ ગયો છે. વડોદરા ભરૂચ છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ખેડા અને આણંદ જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ થયો છે. છતાં પીવાના પાણીની પરિસ્થિતિને પહોંચી વળાય તેમ છે. એકંદરે ચાલુ વર્ષે ચોમાસુ સંતોષકારક થયું છે ખેતીને તેનો ફાયદો થવાથી રાજયના અર્થતંત્રમાં ચમક દેખાશે.