અમદાવાદ, તા.૨૩
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને પણ અસર થઇ છે. કારણ કે, નેશનલ અને રાજ્ય હાઈવેને બંધ રાખવાની ફરજ પડી રહી છે. મળેલી માહિતી મુજબ હજુ પણ ભારે વરસાદ વચ્ચે એક નેશનલ, ૨૪ સ્ટેટ હાઈવે બંધ સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ટ્રકો અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને અસર થતાં આગામી દિવસોમાં પણ તેની અસર દેખાશે. મળેલી માહિતી મુજબ નેશનલ અને સ્ટેટ હાઈવે ઉપરાંત ૧૦૩ ગ્રામ્ય રસ્તાઓ પણ બંધ હાલતમાં છે. ખાસ કરીને ઉત્તરર ગુજરાતમાં રસ્તાઓને બંધ રાખવામાં આવ્યા છે. કારણ કે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. હાલમાં ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં આભ ફાટયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના માળીયા મીયાણાં સહિતના પંથકોમાં પૂરની પરિસ્થિતિ બાદ રોડ, રસ્તા અને રેલ્વે ટ્રેકોનું રીતસરનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે આજે સતત બીજા દિવસે પણ એસટી બસ સેવા અને રેલ સેવા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. રાજયના એક નેશનલ હાઇવે અને ૨૪થી વધુ સ્ટેટ હાઇવે સહિત કુલ ૧૧૦થી વધુ ધોરીમાર્ગો બંધ હાલતમાં છે, જેના કારણે સંખ્યાબંધ એસટી બસોની ટ્રીપો રદ કરાઇ હતી તો, સૌરાષ્ટ્ર-ક્ચ્છ રૂટના રેલ વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી હતી. જેના કારણે હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા. ખાનગી લક્ઝરી અને વાહનોની સેવા પણ ઠપ્પ જેવી બની રહી હતી. વરસાદી મેઘતાંડવને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકોના વિસ્તારો ખાસ કરીને તમામ રોડ, રસ્તાઓ, જાહેરમાર્ગો અને રાજય ધોરી માર્ગો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.