(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૮
રાજ્યમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે એકી સામટે દરોડા પાડયાની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ દૂધ-મંડળી-ડેરી વગેરે પર દરોડા પાડયા બાદ હવે રાજયના મોટા શહેરોની નાની-મોટી હોટલો ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોની અગ્રણી હોટલોમાં પડાયેલ દરોડામાં કેટલીક જગ્યાએથી બગડેલી વસ્તુઓ પણ મળી આવતા આરોગ્ય વિભાગે નોટિસ ઈશ્યુ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. રાજયના મોટા શહેરોમાં આરોગ્ય વિભાગે વિવિધ સ્થળે દરોડા પાડયા હતા. વડોદરાની નામાંકિત ફાઈવસ્ટાર અને ફોરસ્ટાર હોટલોમાં પાલિકાના આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું હતું વડોદરાના અકોટામાં આવેલી તાજવે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું આ ચેકીંગમાં ચટણી રાઈસ અને બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડુમસ રોડની હાઈફાઈ ગણાતી ટીજીબી હોટલમાં તપાસ કરી હતી. અધિકારીઓ દ્વારા હોટલના કિચન વિભાગમાંથી ચીઝ માખણ, છોલે સબ્જી અને ગ્રેવી જેવા ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ નમૂના હાલ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલા ભરવામાં આવશે. જામનગરમાં ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા શહેરની પાંચ જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. જામનગરની હોટેલ પ્રેસિડેન્ટ, હોટેલ કલ્પના, હોટેલ સેલિબ્રેશન, હોટલ આરામ અને હોટલ કલાતિતમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદની લકઝુરિયસ હોટલોમાં આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું. અમદાવાદની મેરિયોટ ઉપરાંત ક્રાઉન પ્લાઝા હોટલમાં પેકિંગ કરવામાં આવ્યું. ક્રાઉન પ્લાઝા હોટલમાંથી તરબુચના જયુસ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાંથી ફુડના નમૂના લેવાયા હતા.