(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૯
ઉના-ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે હજુ સુધી અનેક ગામોના ઘરોમાં પાણી ભરાયા છે. તાલુકાના માણેકપુર, ખત્રીવાડા, રાજપરા, લેરકા, સીલોજ, નાથડ, કેસરિયા, નાલિયામાંડવી સહિતના અનેક ગામોમાં હજુ પણ વરસાદના પાણી ન ઓસરતા મુશ્કેલ બન્યું છે તેમ છતાં ગામ લોકો અને વહીવટી તંત્રએ જીવના જોખમે આવા ગામોમાં રેસ્ક્યુટીમ સાથે ગામ લોકો અને અસરગ્રસ્ત લોકોની મદદે પહોંચી રાહત સામગ્રી તેમજ દવાના જથ્થા સાથે મેડિકલ ટીમ રવાના કરી લોકોની મદદ કરી રહ્યા છે. આજે પણ ઉના પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં ૧થી ૩ ઇંચ જેટલો વરસાદ પડતા સહાય કામગીરીમાં રૂકાવટ પહોંચી રહી છે. ઉના અને ગીરગઢડા તાલુકાની મુલાકાત રાજ્યના સચિવ સુનયના તોમર તેમજ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ તેમજ નાયબ કલેક્ટર પ્રજાપતિ સહિતના કાફલાએ મુલાકાત લઇ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિનો ચિતાર નજરે નિહાળેલ હતો અને ત્યારબાદ ઉના પ્રાંત કચેરીમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ ઉના-કોડીનારના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, મોહનભાઇ વાળા, પૂર્વધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધી ડાયાભાઇ જાંલોધરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને આરોગ્ય સમિતિ ચેરમેન હરીભાઇ સોલંકી સહિતના અનેક રાજકીય અગ્રણી, સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક કરી ૩ તાલુકાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરેલી અને પૂરગ્રસ્ત તાલુકામાં લોકોને પહોંચેલી અસર તેમજ તણાયેલી ચીજ-વસ્તુ, રસ્તા, પુલિયા, નાળા, જમીન ધોવાણ, કૃષિપાકોનું ધોવાણ, પશુધન, તેમજ પંચાયત હેઠળ આવેલા ડેમો, પાળા તેમજ બાંધકામ હેઠળ આવતા પૂલો, નાળાઓ અને વીજકરણ થાંભલાઓ પડી ગયા હોય અને વીજપુરવઠો બંધ પડેલ હોય ટ્રાફિકને લગતા પ્રશ્નો અંગેની છણાવટ કરી તાત્કાલિક લોકોની સમસ્યા હલ થાય તે અંગે ઝડપી કામગીરી હાથ ધરવા તેમજ સર્વે ટીમો મૂકી વહેલીતકે કેસડેલો અને અન્ય સહાય ચૂકવા કામગીરી હાથ ધરવા જણાવેલ હતું. આ મીટિંગમાં ધારાસભ્ય વંશ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ડાયાભાઇએ ૩ તાલુકામાં ખાસ રાજ્ય સરકાર પેકેજ ફાળવે તેવી માગણી કરી હતી. આ મીટિંગમાં શહેરી વિસ્તારની સમસ્યા અંગે કોઇએ ચિતાર ન આપતા ખુદ કલેક્ટરે આ અંગે ટકોર કરી હતી. ગરીબ અને શ્રમિક લોકોના ઘરોમાં એકટકનું રાસન પણ ન હોય આવી પરિસ્થિતિ હેઠળ પરિવારો જીવન ગુજારી રહ્યા છે.

ખત્રીવાડા ગામ આજે પણ પાણીમય…

ખત્રીવાડામાં છેલ્લા ૧૦ દિવસથી વ્યાપક વરસાદ પડવાથી ગામ વિખુટુ પડી ગયેલ અને આજે એનડીઆરએફની ટીમ પહોેંચી હતી અને ગામ લોકોને થોડી હાલાકીમાંથી રાહત થયેલ અને આજે પણ ગ્રામજનોને પાણીમાંથી પસાર થવા દોરડાનો સહારો લેવો પડે છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ આજે ખત્રીવાડા ગામની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો બીજી તરફ ખત્રીવાડામાં ફૂડપેકેજ પણ પહોેંચતા કર્યા હતા. ખત્રીવાડા ગામમાં વરસાદ રોકાતા ગામ સંપર્કમાં આવ્યું હતું. પરંતુ મેઘરાજા ધોધમાર વરસતા નાના અને મોટા ખત્રીવાડાને જોડતા કોર્ઝવે પર પાણી ફરી વળતા લોકોનું ફરી વખત જીવનજરૂરી અસ્તવ્યસ્ત થઇ ગયુ હતું.

વિપક્ષનેતા અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોચ્યા…

વિધાનસભાના વિપક્ષનેતા પરેશ ધાનાણી પણ ઉના આવી પહોંચતા ધારાસભ્ય પુંજાભાઇ વંશ તેમજ કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા સાથે બન્ને તાલુકાના કાણકિયા, લેરકા, કરેણી ગામે વરસતા વરસાદે પહોેંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી સરકારમાંથી વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત કરવા ખાતરી આપી હતી.

એનડીઆરઓફ ટીમ અનેક ગામડાઓમાં પહોેંચી…

છેલ્લા ૧૨ દિવસથી ઉના ગીરગઢડા તાલુકામાં વરસાદે કહેર સર્જેલ હોય અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ વિખુટા પડેલ હોય આવા ગામોમાં એનડીઆરએફ ટીમ પહોેંચી હતી અને અનેક લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડેલા હતા અને રાહત સામગ્રી પહોંચાડી હતી તેમજ મેડિકલ ટીમો પણ અનેક ગામોમાં નિદાન કેમ્પ કરી સારવાર આપી હતી.

રાજકોટથી આવેલ સેવાભાવિ સંસ્થાએ જીવન જરૂરી ચીજ-વસ્તુઓનું વિતરણ કર્યું…

ગીરગઢડામાં અસરગ્રસ્ત વિસ્તારોને જીવનજરૂરી ચીજ-વસ્તુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સહાય કરવા માટે રાજકોટથી આવેલા સોમનાથ ગ્રુપ દ્વારા ૮૦૦ જેટલી કીટ કે જેમાં અનાજ, કઠોર, બટેટા, બિસ્કીટ વગેરેનું વિતરણ કરવા દ્રોણેશ્વર બીએપીએસના સંતો સાથે રહીને કિટનું ઘોડાવાડી, જંગવડ, કાણકીયા અને કરેણી જેવા ગામોમાં વિતરણ કરવામાં આવ્યુ હતું.