(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારો અને વિવિધ જિલ્લાના અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા પદાધિકારીઓની જ બેઠકમાં ઉપસ્થિતોને માર્ગદર્શન આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ સમાજની પ્રજા ભાજપ સરકારથી પરેશાન છે. આથી જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૪ સપ્ટેમ્બરે અમદાવાદ આવવાના છે ત્યારે તેઓની કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો ઉપરાંત સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં મહાનુભાવો સ્વૈચ્છિક સંગઠનના પ્રતિનિધિઓ, વ્યવસાયિક જૂથો અને પ્રોફેશનલ્સ સાથે વ્યક્તિગત રીતે વિચારવિમર્શ બેઠક યોજાશે. નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, રાજ્યના વિવિધ જિલ્લા પંચાયત પ્રમુખે અને નવનિયુક્ત પદાધિકારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની તા.૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ર.૦૦ કલાકે અમદાવાદના કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, એ.આઈ.સી.સી.-પીસીસી ડેલીગેટ અને યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એનએસયુઆઈ સેવાદળના પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ બેઠક યોજાશે. મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ, મહિલા સુરક્ષા અને ખેડૂતોના પ્રશ્ને નિષ્ફળ ભાજપ સરકારના શાસન સામે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો આપશે. રાજ્યના ચાર વિભાગમાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યું છે. જેની શરૂઆત સૌરાષ્ટ્રના દ્વારકા ખાતેથી થશે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી.ના મંત્રી પ્રકાશ જોષી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડો.કરશનદાસ સોનેરી સહિતના મહાનુભાવોએ વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સીઆરપીએફના જાબાઝ જવાન દિનેશ બોરસેની શહાદતને સલામ કરીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.