(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તા.૯મીએ યોજાયેલ પ્રથમ ચરણના મતદાનમાં ઈપીએમની ગરબડીની સંખ્યાબંધ ફરિયાદો ઉઠયા બાદ તે અંગેની તપાસમાં કેટલાક ઈવીએમમાં ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ હોવાનું બહાર આવતા ચૂંટણીપંચ દ્વારા રાજયના છ જેટલા પોલીંગ બુથો પર ફેર મતદાન કવરાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈવીએમની ગરબડીની ફરિયાદો બાદ હાથ ધરાયેલ તપાસમાં કેટલાક ઈવીએમમાં મોક પોલના ડેટાને કાઢી નાખવામાં આવ્યો ન હોવાનું અને એમને એમ મતદાન થયાનું માલુમ પડયું હતું જેને કારણે ફેર મતદાન કરવાના સંજોગો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં મતદાન શરૂ થાય તે પહેલાં મોલ પોલ એટલે કે એક જાતનું ટેસ્ટીંગ કરવામાં આવે છે જેમાં ચૂંટણી અધિકારીઓ મત નાખીને ઈવીએમ અને વીવીપેટની મશીનો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનો ટેસ્ટ કરતા હોય છે જો કે પ્રથમ તબકકાના મતદાન પછી એવું સામે આવ્યું હતું કે કેટલાક પોલિંગ બુથોમાં ઈવીએમ મશીનોમાં નખાયેલ મોક પોલ ડિલીટ નહોતા થયા. રાજયના મુખ્ય ચૂંટણી કમીશનર બી.બી. સ્વેનના જણાવ્યા પ્રમાણે આવા છ પોલિંગ બુથોમાં ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન કરવામાં આવશે. જામજોધપુર વિધાનસભા ક્ષેત્રના ઘુંડા અને માનપર પોલિંગ બુથ, ઉના વિધાનસભા ક્ષેત્રના બંદરડા અને ગાંગરડા પોલિંગ બુથ નિરઝર વિધાનસભા ક્ષેત્રના ચોરવાડ બૂથ, ઉમરગામ વિધાનસભા મત ક્ષેત્રના ચાનોદ કોલોની પોલિંગ બુથ ખાતે તા.૧૪મીએ સવારે ૮થી પ દરમ્યાન પુનઃમતદાન કરવાનો નિર્ણય ચૂંટણીપંચે કર્યો છે.