(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીઓના પડઘમ વાગવા જઈ રહ્યા છે. રાજ્યની ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતો પૈકીની કેટલીક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની રાજ્ય ચૂંટણીપંચે તૈયારીઓ હાથ ધરતા બે તબક્કામાં આ ચૂંટણીઓ યોજવાનું નિર્ધારિત કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૪ર૩ ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજવાના કાર્યક્રમની આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ગ્રામપંચાયતોની ચૂંટણી સાથે ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ યોજવાનો કાર્યક્રમ ઘડી કઢાયો છે. ચૂંટણી તા.૪થી ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ યોજાશે અને તે માટેનું જાહેરનામું તા.૧પમી જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આ સાથે ચૂંટણીવાળી પંચાયતોના વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવેલ છે.
મુદ્દત પુરી થતી તેમજ વિભાજનવાળી અંદાજિત ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ રાજકીય પક્ષોમાં ફરી એકવાર ઉત્સુકતા વધી ગઈ છે. ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે જે ગ્રામ પંચાયતોની મુદ્દત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી તથા મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી અંગેનું જાહેરનામુ ૧પમીએ પ્રસિદ્ધ થતાં જ ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થશે. મતદાન ૪થી ફેબ્રુઆરીએ અને મતગણતરી છઠ્ઠી ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આચારસંહિતા વિધિવત રીતે અમલી કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા ઇચ્છુક ઉમેદવારને ઉમેદવારીપત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા જેવી બાબતો અંગેની માહિતી એકરારનામા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની રહેશે. ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૨૨મી જાન્યુઆરી રાખવામાં આવી છે. ચૂંટણી માટેનું મતદાનનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે. ગ્રામ પંચાયતની આ સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીમાં ઇવીએમથી મતદાન કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના ૩૦મી ઓક્ટોબરના હુકમ હેઠળ નોટાનો ઉપયોગ પણ કરી શકાશે. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયતોની સંખ્યા ૨૨ છે. રાજ્યના ૩ર જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર હોઈ એક રીતે તો સમગ્ર રાજ્યમાં ફરી ચૂંટણીનો માહોલ ઊભો થશે.

ચૂંટણી કાર્યક્રમ

• જાહેરનામુ-૧પ જાન્યુ.
• ઉમેદવારી પત્રો સ્વીકારવાની અંતિમ તારીખ – ર૦ જાન્યુ.
• ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ – રર જાન્યુ.
• ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ – ર૩ જાન્યુ.
• મતદાન – ૪ ફેબ્રુ.
• મતગણતરી – ૬ ફેબ્રુ.