(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં સ્વાઈન ફ્લૂ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોંગોફીવર જેવા વિવિધ વાયરલ રોગોના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેમ લાગે છે. ગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય હાલ કુદરતના ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને અપાતી નથી. બહારના મેડિકલ સ્ટોર્સ સાથે ગોઠવણ હોવાથી સરકારી હોસ્પિટલોમાંથી આપવાની થતી મફત દવાઓ દર્દીઓને બહારથી લાવી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યનું આરોગ્યતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજી બાજુ આરોગ્ય સેવામાં માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત છેવાડાનું રાજ્ય છે. રાજ્યમાં આઠ મહિનામાં ત્રણ હજારથી વધુ કેસો સ્વાઈન ફ્લૂના નોંધાયા જેમાંથી ૩પ૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ૪ લોકોનાં મોત અને ૬૪ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ તો ઘણી વિકટ છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો નથી. મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને અપાતી નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૭૩ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ર૧૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૯૪૮ પેટા આરોગ્ય કેન્દ્રની ઘટ છે. સાથે સાથે રાજ્યના ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલોમાં ૧૬પ૩ જગ્યાઓ ખાલી એટલે કે ૭૮ ટકા ડોક્ટરો વિના દવાખાનાઓમાં છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ૧ર૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલોમાં વર્ગ-રના આરોગ્ય અધિકારી ર૮૭૧માંથી ૧૧૬૮ એટલે કે, ૪પ ટકા જેટલી જગ્યાઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે. રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજમાં ૬૪ પ્રોફેસરો, ૧૬૭ એસોસિએટ પ્રોફેસર અને ર૪૦ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ભાજપ સરકારની ફિક્સ પગારની નીતિ અને આઉટસોર્શિંગના કારણે રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં હાલત કફોડી છે.