(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા એનઆરસી અને સીએએ જેવા કાળા કાયદાનો દેશભરમાં અને ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા ઘણા સમયથી રેલી, ધરણા, દેખાવો વગેરે થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ આ પ્રશ્ને રાજયપાલને રજૂઆત કરવા સમય માગતા રાજયપાલે ૮મીએ સાંજે પ કલાકે મુલાકાતનો સમય નક્કી કરતા ત્રણેય ધારાસભ્ય સહિત મુસ્લિમ સમાજના પ૦ અગ્રણીઓ રાજયપાલને આવેદનપત્ર પાઠવવા જશે. દેશ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. મોંઘવારી બેકાબૂ બની છે. મહિલાઓ પર દિનપ્રતિદિન અત્યાચાર અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે, યુવાનોને નોકરી નથી. નાના મોટા ઉદ્યોગો બંધ થતાં લાખો લોકો બેકાર બની રહ્યા છે. કુદરતી મારથી ખેતી નાશ પામી રહી હોવાથી ખેડૂતો બેહાલ છે. ચોતરફ અંધાધૂંધી જેવો માહોલ છે તેવામાં કેન્દ્ર સરકારે લોકોના દાઝયા પર ડામ આપતા હોય તેમ એનઆરસી અને સીએએ જેવા કાળા કાયદાને મંજુર કરતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આ કાળા કાયદાનો દેશભરમાં હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત તમામ ધર્મના લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. રેલી, દેખાવો, ધરણા, માનવસાંકળ દ્વારા સરકાર પર દબાણ વધારી આ કાળો કાયદો પરત ખેંચવા માગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ત્રણેય મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ મુસ્લિમ સમાજના રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે મળી રાજયપાલને આવેદનપત્ર પાઠવવા નક્કી કર્યું હતું અને રાજયપાલ સમય આપે તેવી પત્ર પાઠવી વિનંતી કરી હતી. આથી રાજયપાલે તેમની વિનંતી માન્ય રાખી આગામી ૮ જાન્યુઆરી ર૦ર૦ રોજ સાંજે પ કલાકે રાજભવન ગાંધીનગર ખાતે ત્રણેય ધારાસભ્યો અને સાથે મુસ્લિમ સમાજના પ૦ પ્રતિનિધિઓને મળવા સમય આપ્યો છે. જાણવા મળ્યા મુજબ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ રાજયપાલને સીએએ અને એનઆરસીનો કાયદો પરત ખેંચવા તથા ગુજરાતમાં બંધના એલાનના દિવસે અમદાવાદ, વડોદરા અને છાપીમાં થયેલી હિંસા સંદર્ભે પોલીસ નિર્દોષો અને મહિલાઓની ખોટી રીતે ધરપકડ ન કરે તેવી પણ વિનંતી કરશે.