આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ  પ્રસાદ યાદવે આજે સતત બીજા દિવસે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર પર આકરા પ્રહારો જારી રાખ્યા હતા. લાલુ યાદવે કહ્યું હતું કે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને પહેલા તેમની પાર્ટીને તક આપવાની જરૂર હતી. રાજ્યપાલના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમા જવાની લાલુએ જાહેરાત કરી હતી. નીતિશ કુમારના કફનવાળા નિવેદન પર લાલુએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતંુ કે તેમના કફનમાં ખિસ્સા નહી પરંતુ થેલી છે. લાલુએ આક્ષેપોનો મારો જારી રાખતા કહ્યું હતંુ કે સુશીલ મોદીએ મોટા મોટા કૌભાંડો કર્યા છે. સુશીલ મોદી હવે નીતિશકુમારના સ્ટેપની બની ગયા છે. તેજસ્વી યાદવ પર મૂકવામાં આવેલા આરોપો પર ખુલાસો કરવાની માંગ અંગે બોલતા લાલુએ કહ્યું હતંુ કે અમને જે પ્રશ્વ કરવામાં આવશે તે પ્રશ્નનો જવાબ અમે સીબીઆઇને આપીશું. તેજસ્વી તમને શા માટે જવાબ આપે. લાલુએ ભાજપ પ્રમુખ અમિત શાહ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે અમિત શાહ સુપર એડિટર તરીકે છે. માલિકો સાથે મળીને સમાચાર નક્કી કરે છે. લાલુ યાદવે નીતિશકુમાર અને ભાજપના નેતા પર આરોપોનો મારો ચાલુ રાખ્યો હતો. લાલુના કહેવા મુજબ ભાજપ અને સંઘ વચ્ચેની ફિક્સ મેચ તરીકે આ તમામ બાબતો હતી. ફિક્સિંગના પરિણામ બુધવારના દિવસે અમને જોવા મળ્યા હતા. અનેક વખત નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જે કઇ પણ બાબત ચાલી રહી હતી તે પહેલાથી જ નક્કી હતી. નીતીશ કુમારને લાલુએ ભસ્માસુર તરીકે ગણાવ્યા હતા. લાલુએ કહ્યું હતું કે નીતિશે સીબીઆઇ અને ઇડીના કેસ કરાવ્યા છે. સુશીલ કુમાર મોદી સાથે મળીને કાવતરા ઘડવામાં આવી રહ્યા હતા. તેમણે દાવા સાથે કહ્યુ હતુ કે જો તેમને કોઇ લાલચ રહી હોત તો મુખ્યપ્રધાન તરીકે નીતિશને પ્રોજેક્ટ શા માટે કર્યા હોત. લાલુએ કહ્યુહતુ કે નીતિશકુમાર કહેતા હતા કે માટીમાં મળી જઇશ પરંતુ ભાજપ સાથે ક્યારેય હાથ મિલાવશે નહીં.