(એજન્સી) મુંબઈ, તા.રપ
શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં સોમવારે સાંજે સાત વાગે પોતાના ૧૬ર ધારાસભ્યોની પરેડ કરાવી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્‌વીટ કરીને રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને અપીલ કરી હતી કે, તેઓ અહીં આવે અને ધારાસભ્યોની પરેડ જુએ. રાઉતે રાજ્યપાલના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર ટેગ કરતાં લખ્યું કે, અમે બધા એક છીએ અને સાથે છીએ. અમારા ૧૬ર ધારાસભ્યોને તમે ગ્રાન્ડ હયાત હોટલમાં જોઈ શકો છો. મહારાષ્ટ્રના રાજ્યપાલ પોતે આવે અને જુએ.
એનસીપીના નેતાએ જણાવ્યું હતું કે, લોકભાવનાને પોતાની તરફ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમે ૧૬ર ધારાસભ્યો સાથે એક જ હોટલમાં પરેડ કરાવી રહ્યા છે ત્યારે આખો દેશ જોઈ રહ્યો છે કે, ભાજપ રાજ્યપાલના પદનો દુરૂપયોગ કરીને મહારાષ્ટ્રમાં ગંદી રમત રમી રહ્યો છે. આ પહેલાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો મુંબઈની વિવિધ ફાઈવસ્ટાર હોટલોમાં કડક સુરક્ષા વચ્ચે રોકાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અંગે સુપ્રીમકોર્ટ મંગળવારે સવારે ૧૦ઃ૩૦ વાગે પોતાનો ચુકાદો સંભળાવશે. બીજી તરફ એનસીપીના નેતાઓ અજીત પવારને મનાવવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભૂજબળ સવારે અજીતને મનાવવા પહોંચી ગયા હતા. બાદમાં જયંત પાટીલ પણ તેમને મળવા ગયા હતા. કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધને ભાજપના દેવેન્દ્ર ફડનવીસ દ્વારા બે દિવસ પહેલાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સોમવારે સવારે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભાજપ પોતાના ધારાસભ્યોનો સંપર્ક ન કરે તે માટે ત્રણેય પક્ષોએ પોતપોતાના ધારાસભ્યોને વિવિધ ફાઈવસ્ટાર હોટલો અને રિસોર્ટમાં રાખ્યા હતા. શિવસેનાએ જણાવ્યું હતું કે, અમે અપક્ષો સહિતના ૬૩ ધારાસભ્યોની સહીવાળો પત્ર, કોંગ્રેસના ૪૪ અને એનસીપીના પ૧ ધારાસભ્યોની સંમતિવાળો પત્ર રજૂ કર્યો છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પણ આ ગઠબંધનમાં જોડાતા વધુ બે સભ્યો યાદીમાં ઉમેરાયા છે. બીજી તરફ સવારે સુપ્રીમકોર્ટમાં થયેલી સુનાવણીમાં ત્રણેય પક્ષોએ રાજ્યપાલ દ્વારા કરાયેલી કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી. આ પહેલાં ભાજપે ૧૭૦ ધારાસભ્યોનો સમર્થન હોવાનું જણાવ્યું હતું જેમાં તેણે એનસીપીના પ૪ ધારાસભ્યોનો સમાવેશ પણ કર્યો હતો. શિવસેના, એનસીપી અને કોંગ્રેસે ૧પ૪ ધારાસભ્યોના સમર્થનવાળા સોગંદનામા રજૂ કર્યા છે. શરદ પવારે જણાવ્યું હતું કે, અજીત પવાર સિવાયના તમામ પ૩ ધારાસભ્યો હવે અમારી સાથે છે. જો કે, સમર્થન પત્રમાં અન્ય ત્રણ ધારાસભ્યોના હસ્તાક્ષર ન હતા.