(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં સરળતાથી પાસ થઇ ગયું છે અને હવે મોદી સરકાર અમેરિકાની એક સ્વાયત્ત સંસ્થા દ્વારા તેનો ભારે વિરોધ કરવા છતાં આજે તેને રાજ્યસભામાં રજૂ કરશે. નાગરિકતા સંશોધન બિલના પક્ષમાં જેડીયુ, શિવસેના, બીજેડી અને પૂર્વોત્તરના કેટલાક પક્ષોની સાથે આવવાના લીધે સરકારને આ બિલને પાસ કરવામાં કોઇ મુશ્કેલી પડી નથી. લોકસભામાં આ બિલના પક્ષમાં ૩૧૧ વોટ પડ્યા. જ્યારે વિપક્ષમાં ૮૦ વોટ. હવે મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ રસ્તો સરળ મનાય છે. બિલને બુધવારે બપોરે રાજ્યસભામાં રજૂ કરાશે. નાગરિકતા સંશોધન બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, જૈન, ઇસાઇ, સિખ, બૌદ્ધ અને પારસી સમુદાયને ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાંથી મુસ્લિમ સમુદાયોને બહાર રાખ્યા છે. જો કે, છેલ્લાં બે વર્ષમાં ભાજપ અને એનડીએની તાકત રાજ્યસભામાં શ્રેષ્ઠ થઇ છે. રાજ્યસભામાં કુલ સભ્ય ૨૪૫ છે પરંતુ પાંચ સીટો ખાલી છે, તેના લીધે કુલ સભ્યોની સંખ્યા ૨૪૦ છે. મતલબ એ કે જો ગૃહના તમામ સભ્ય મતદાન કરે તો બહુમતી માટે ૧૨૧ વોટની જરૂર પડશે.
રાજ્યસભામાં મોદી સરકારનો આંકડો
નાગરિકતા સંશોધન બિલ પર લોકસભામાં જે પક્ષોએ સમર્થન કર્યું છે. એ દ્રષ્ટિથી રાજ્યસભામાં આંકડાને જોઇએ તો આ સંખ્યા ૧૨૧ છે. તેમાં ભાજપના ૮૩, બીજેડીના ૭, એઆઇએડીએમકેના ૧૧, અકાલી દળના ૩, શિવસેનાના ૩, જેડીયુના ૬, વાઇએસઆર કોંગ્રેસના ૨, એલજેપીના ૧, આરપીઆઈના ૧, અને ૪ રજીસ્ટર્ડ રાજ્યસભા સભ્ય છે. નાગરિકતા સંશોધન બિલ પર વિપક્ષનું જે રીતે વલણ છે. તેમ છતાંય વિપક્ષ રાજ્યસભામાં આ બિલને રોકવામાં ખાસ મજબૂત સ્થિતિમાં દેખાતું નથી. રાજ્યસભામાં કોંગ્રેસના ૪૬, ટીએમસીના ૧૩, સપાના ૯, વામદળના ૬, ડીએમકેના ૫ અને આરજેડી, એનસીપી અને બસપાના ૪-૪ સભ્ય છે. આ સિવાય ટીડીપીના ૨, મુસ્લિમ લીગના ૧, પીડીપીના ૨, જેડીએસના ૧, કેરળ કોંગ્રેસના ૧ અને ટીઆરએસના ૬ સભ્ય છે. આમ વિપક્ષની પાસે ૧૦૦ સભ્ય થાય છે.