અમદાવાદ,તા. ૧૮
કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઇ ભાજપના ઉમેદવાર તરીકે રાજયસભાની ચૂંટણીમાં ઉભા રહી કારમી હારનો સામનો કરનાર બળવંતસિંહ રાજપૂતે આખરે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. રાજપૂતે રાજયસભાની ચૂંટણીની પરિણામને પડકાર્યું છે અને સાથે સાથે કોંગ્રેસના વિજયી ઉમેદવાર એહમદ પટેલના પરિણામને રદબાતલ ઠરાવવા પણ દાદ માંગી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રજા પર હોઇ બળવંતસિંહ રાજપૂત તરફથી આ પિટિશનના અરજન્ટ હીયરીંગ માટે જસ્ટિસ એમ.આર.શાહ સમક્ષ મેન્શનીંગ કરવામાં આવ્યું હતું. બાદમાં કેસની સુનાવણી તા.૨૧મી ઓગસ્ટે મુકરર કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના જે બે બળવાખોર ધારાસભ્યોએ તેમની તરફેણમાં મતો આપ્યા હતા અને એ બે મતો કોંગ્રેસે લીધેલા વાંધા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યા હતા તે વિવાદીત નિર્ણયને પણ રદબાતલ ઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તા.૮મી ઓગસ્ટે રાજયસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના અમિત શાહને ફર્સ્ટ પ્રેફરન્સના ૪૬, ભાજપના જ સ્મૃતિ ઇરાનીને પણ ૪૬ વોટ અને કોંગ્રેસના એહમદ પટેલને ૪૪ વોટ મળતાં તેઓ વિજયી ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા, જયારે બળવંતસિંહ રાજપૂતને ૩૮ મતો મળતાં તેઓને હારેલા ઉમેદવાર ઘોષિત કરાયા હતા. બળવંતસિંહ રાજપૂત તરફથી કરાયેલી પિટિશનમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો તેમને પડયા હતા પરંતુ કોંગ્રેસે લીધેલા વાંધા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે તે મતો રદ કરી દીધા હતા જે નિર્ણય બિલકુલ અયોગ્ય, ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર છે કારણ કે, એક વખતે મત જયારે મતપેટીમાં પડી જાય અને જયારે રિટર્નીંગ ઓફિસરે તેની સ્વીકારી લીધા હોય પછી તેમાં દરમ્યાનગીરી કરવાની ચૂંટણી પંચને કોઇ સત્તા જ નથી. જો કોઇને મત સામે વાંધો હોય તો કાયદામાં નિર્દિષ્ટ જોગવાઇ મુજબ, ઇલેકશન પિટિશન પાછળથી કરી શકે. તેમણે એહમદ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે, એહમદ પટેલ ભ્રષ્ટ પ્રેકટીસ આચરવા સંડોવાયેલા છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લેરૂ ખાતેના રિસોર્ટમાં કેદ રાખી તેમની પાછળ લાખો રૂપિયાનો મનોરંજનનો ખર્ચ કર્યો છે અને આમ, એહમદ પટેલ તેમની આ કરપ્ટ પ્રેકટીસથી વિજયી બન્યા છે નહી કે, મતદારોની મુકત ઇચ્છાના કારણે. રાજપૂતે કોંગ્રેસના જે બે ધારાસભ્યોએ એહમદ પટેલને મત આપ્યા હતા તે એ ગ્રાઉન્ડ પર રદ કરવાની માંગણી પિટિશનમાં કરી છે કે, કોંગ્રેસના એ બંને ધારાસભ્યોએ પણ કોંગ્રેસના અધિકૃત એજન્ટ સિવાય બીજા વ્યકિતઓને પોતાના મત બતાવ્યા હતા. આ પરિસ્થિતિમાં તેમના મત વધી જાત અને તેઓ વિજયી જાહેર થાત પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચના અન્યાયી નિર્ણયના કારણે તેઓ હાર્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે એહમદ પટેલની ચૂંટણી રદ કરી તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવી તેમના સ્થાને પોતાને વિજયી જાહેર કરવા રાજપૂત દ્વારા પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી.
બે વોટ મળે છતાંય કોઈ ફરક પડે નહીં

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ૩ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપના હારેલા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે શુક્રવારે હાઈકોર્ટમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીતને પડકારી છે. આ અંગે મીડિયાને પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ છે તેને ભાજપ પચાવી શકતી નથી. બળવંતસિંહ રાજ્યસભાની ચૂંટણીમાં ૩૮ વોટ મળ્યા છે. અને જે બે વોટ માટે તેઓ હાઈકોર્ટમાં જઈ રહ્યા છે તે બે વોટ મળે તોય તેઓના કુલ વોટ ૪૦ થાય. તેમ છતાં તેઓ ચૂંટણી જીતી શકે નહીં. એટલે કોઈ ફરક પડે જ નહીં.