Ahmedabad

રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપે મને રૂપિયા ર૦ કરોડની ઓફર કરી હતી

અમદાવાદ,તા. ૧૪
દ્વારકાના ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહીરે ભારતીય જનતા પાર્ટી પર આજે ગંભીર અને સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે, રાજયસભાની ચૂંટણી વખતે ભાજપે મને રૂ.૨૦ કરોડની જંગી રકમની ઓફર કરી હતી પરંતુ મેં ભાજપની આ ઓફરને ઠુકરાવી દીધી હતી કારણ કે, હું મારા કોંગ્રેસ પક્ષ અને મારા વિસ્તારની જનતાને વફાદાર રહેવા માંગતો હતો. કોંગ્રેસના ધારાસભ્યના આ આક્ષેપને પગલે જોરદાર ચકચાર મચી ગઇ છે અને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ખાસ કરીને કોંગ્રેસ ભાજપની તોડફોડ નીતિને રાષ્ટ્રીયકક્ષાએ મુદ્દો બનાવી રહી છે ત્યારે તેની બળતી આગમાં જાણે ઘી હોમાયું છે, તો બીજીબાજુ, ભાજપ ડિફેન્સીવ મોડમાં આવી ગયું છે. ભાજપ પર જોરદાર પ્રહારો કરતાં અને ગંભીર આક્ષેપ કરતાં ખંભાળિયાના ધારાસભ્ય મેરામણ આહીરે આજે જણાવ્યું હતું કે, ભાજપે મને કોંગ્રેસમાંથી તોડવા માટે વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપવાની પણ લાલચ આપી હતી. એટલું જ નહી, કોંગ્રેસ સાથેનો છેડો ફાડવા મને રૂ.૨૦ કરોડની જંગી ઓફર કરાઇ હતી. જો કે, મેં ભાજપની ઓફર ધરાર ઠુકરાવી દીધી હતી. કારણ કે, હું મારા પક્ષ કોંગ્રેસ અને મારી જનતાને વફાદાર છું. તેમણે ઉમેર્યું કે, હું કોંગ્રેસ પક્ષનો વફાદાર સૈનિક છું અને મારા વિસ્તારની પ્રજાએ મારામાં વિશ્વાસ મૂકી મને ધારાસભ્ય તરીકે ચૂંટયો છે, તેથી હું મારા વિસ્તારની પ્રજા સાથે કોઇપણ સંજોગોમાં દ્રોહ કરી શકું નહી કે મારા કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી શકું નહી અને તેથી જ મેં ભાજપની ઓફર ફગાવી દીધી હતી. તેમણે તેમના ખંભાળિયા-ભાણવડ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમને નમન કર્યા હતા.