(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
રાજ્યસભાની ગુજરાતની ખાલી થનારી ત્રણ બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરાત કરાઈ હતી. ગુજરાત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત આજે કેન્દ્રીય ચૂંટણીપંચે કરતા તે માટે આઠમી ઓગસ્ટે ચૂંટણી યોજવાનું નિર્ધારિત કરાયું છે. ગુજરાતની પણ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોઈ ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીના મુદ્દે ઉત્કંઠા જોવા મળી રહી છે.
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો પૈકી હાલમાં એક કોંગ્રેસ અને બે ભાજપ પાસે છે. કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય એવા અગ્રણી નેતા અહમદ પટેલ અને ભાજપમાંથી મંત્રી સ્મૃતિ ઈરાની તથા દિલીપ પંડ્યાની ૧૮મી ઓગસ્ટે મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ આ ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ ચૂંટણી માટેનું જાહેરનામુ તા.ર૧મી જુલાઈએ બહાર પડશે અને ત્યારથી જ ઉમેદવારી પત્રો ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ ર૮મી જુલાઈ અને તેની ચકાસણી તા.ર૯મી જુલાઈએ કરાશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ ૩૧મી જુલાઈ રહેશે. જો ત્રણ બેઠકો માટે ત્રણથી વધુ ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે તો તે માટે તા. આઠમી ઓગસ્ટે સવારે ૯થી ૪ વાગ્યા સુધીમાં મતદાન યોજવામાં આવશે. ત્યારબાદ આજ દિવસે સાંજે પ.૦૦ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની ત્રણ બેઠકોમાં હવે ભાજપ-કોંગ્રેસ કયા ઉમેદવારોને મૂકે છે તે માટે બંને પક્ષોમાં ચર્ચા સાથે ઉત્કંઠા જોવા મળે છે. કોંગ્રેસમાંથી અહમદ પટેલ લગભગ ફાઈનલ જ છે. ભાજપમાંથી સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી મંડળમાં હોઈ મોટાભાગને તેમને રિપીટ કરાય તે નક્કી મનાય છે જ્યારે ભાજપના અન્ય સભ્ય દિલીપ પંડ્યાને બદલે બીજા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાલમાં ભાજપમાં ચાલી રહી છે ત્યારે તેના દાવેદારો પણ ઘણા છે હવે હાઈકમાન્ડ જૂનાને મૂકે છે કે પછી તેમની આદત મુજબ નવો જ ચહેરો લાવે છે તેની ચર્ચા જોરમાં છે.