(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
રાજ્યસભાના સાંસદોની ત્રણ બેઠકો માટેની ચૂંટણી આવતીકાલે સવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-ર ખાતે યોજાનાર છે ત્યારે ક્રોસ વોટિંગનો ખોફ અને ‘નોટા’નો ડર બન્ને પક્ષોને સતાવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પાસે તેમના ઉમેદવારોને જીતાડવા પૂર્ણ મત હોવા છતાં ભાજપે ગંદી રાજકીય રમત રમી વર્ષોથી બિનહરીફ યોજાતી આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી મતદાન કરાવવાની ફરજ પાડી છે. આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ સમગ્ર વિધાનસભા સંકુલમાં પોલીસનો લોખંડી જાપ્તો ગોઠવી દેવાયો છે.
રાજ્યસભામાં કુલ બેઠકોની સંખ્યા ર૪પ છે પરંતુ વર્તમાન સંખ્યાબળ ર૪૩નું છે. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ ૧૧ બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે નવ અને કોંગ્રેસ પાસે બે બેઠકો છે. જ્યારે હાલ ગુજરાતની ત્રણ બેઠકોની અવધિ પૂર્ણ થતાં તેની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ અને ભાજપના સાંસદો સ્મૃતિ ઈરાની તથા દિલીપ પંડયાની મુદ્દત પૂર્ણ થતાં આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે તેના સાંસદ અહમદ પટેલને રિપીટ કર્યા છે. સામે પક્ષે ભાજપે સ્મૃતિ ઈરાનીને રિપીટ કર્યા છે જ્યારે દિલીપ પંડયાના બદલે ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે.
વર્ષોથી બિનહરીફ ચૂંટાતી આ ચૂંટણીમાં કોંગ્રેસનો કાંટો કાઢવા ભાજપે મેલી રમત રમી કોંગ્રેસના ૬ ધારાસભ્યોને નાણાં અને પદની લાલચ આપી ત્રણને પોતાની તરફ ખેંચી લીધા છે જેમાંથી એક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતને રાજ્યસભાની ટિકિટ આપી બિનહરીફ યોજાતી ચૂંટણી માટે મતદાન કરાવવાની ફરજ પાડી છે. કોંગ્રેસને તો પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે કે નોટાનો ઉપયોગ કરે તે ડર તો સતાવી જ રહ્યો છે પરંતુ તમાચો મારી ગાલ લાલ રાખી રહેલા ભાજપને આ ભય વધારે સતાવે છે કારણ કે ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા તમામ તાકાત કામે લગાડી દીધી છે.
આથી જો આ ત્રીજી બેઠક હારે તો ભાજપની પ્રતિષ્ઠા ધોવાણ થાય તેમ છે. બીજી તરફ ભાજપને પોતાના જ ધારાસભ્યો ખાસ કરીને પાટીદાર ધારાસભ્યોમાંથી ક્રોસ વોટિંગનો કે નોટાનો ભય સતાવી રહ્યો છે. આથી આજે યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દરેક ધારાસભ્યોને પક્ષની શિસ્તમાં રહીને મતદાન કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી.
આમ કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે ક્રોસ વોટિંગ અને નોટાના ભય વચ્ચે સવારે ૮થી બપોરે ૪ વાગ્યા દરમિયાન ચૂંટણી યોજાનાર છે અને સાંજે ૬ વાગે પરિણામ જાહેર થઈ જશે ત્યારે તમામ રાજકીય પંડિતો અને નિષ્ણાંતોની પરિણામ પર નજર ઠરેલી છે.