(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
સુપ્રીમ કોર્ટે છેવટે કેન્દ્ર સરકાર અને રાજ્યોને કડક આદેશો આપી જણાવ્યું છે કે, કહેવાતા અને જાતે બની બેઠેલા “ગૌરક્ષકો” જે લોકોની ધોળે દિવસે જંગાલિયત ભરી હત્યાઓ કરી રહ્યા છે જેને રોકવા અમોએ બધાને જે દિશા નિર્દેશો આપ્યા છે એમનું અમલ બે અઠવાડિયામાં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો અને બધી રાજ્ય સરકારોને ખાસ આદેશો આપ્યા છે કે આ પ્રકારના અમાનવીય અત્યાચારોને રોકવામાં આવે. કહેવાતા ગૌરક્ષકો સામે કડક પગલાં લેવામાં આવે જે નિર્દોષ લોકોની હત્યાઓ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેંચના અધ્યક્ષ દીપક મિશ્રાની આગેવાની હેઠળ રકબરખાનની હત્યા સંદર્ભે દાખલ કરાયેલ કોર્ટ અવમાનતાની અરજીની સુનાવણી કરી રહી હતી, જે અરજી રાજસ્થાન સરકાર સામે દાખલ થયેલ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે દિશા-નિર્દેશો જારી કર્યા હતા.
રાજસ્થાનના અલવરમાં રકબરની ઘાતકી હત્યા કરાઈ હતી. આ હત્યા ર૦મી જુલાઈએ કરાઈ હતી જેના ત્રણ જ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે ટોળાકીય હત્યાઓ રોકવા કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશો આપ્યા હતા. રાજસ્થાન સરકાર તરફે હાજર રહેલ વકીલે રજૂઆત કરી કે સરકારે કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે પોલીસ અધિકારીઓના સામે પગલાં લેવાયા છે જે આ પ્રકારની ઘટના રોકવા નિષ્ફળ રહ્યા હતા.