(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
દિલ્હી સમેત દેશના કેટલાક રાજ્યોમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી આજે સુપ્રીમકોર્ટે પરાળી બાળવા ઉપર મૂકેલ પ્રતિબંધના આદેશ છતાંય પંજાબ સહિત અન્ય રાજ્યોએ પગલાં નહીં લેતાં ચારેય રાજ્યોની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, લોકોને મરવા માટે છોડી શકાય નહીં. સુપ્રીમકોર્ટે કહ્યું દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના લીધે લોકોનો શ્વાસ રૂંધાય છે અને લાખો લોકોની વય ઘટી રહી છે. શું તમે આવી રીતે વહેવાર રાખશો અને એમને પ્રદૂષણના લીધે જીવ ગુમાવવા દેશો ? સુપ્રીમકોર્ટે કહ્યું લોકોને ગેસ ચેમ્બરમાં જીવવા કેમ દબાણો કરી રહ્યા છો ? એના બદલે એમને એક ઝાટકે મારી નાંખો, વિસ્ફોટકો ભરી ૧પ બેગો સમગ્ર દિલ્હીમાં મૂકી દો અને બધાને મારી નાંખો. લોકો કેમ આવી રીતે સહન કરે ? દિલ્હીમાં જે આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો ખેલ થઈ રહ્યો છે એનાથી અમે આંચકો અનુભવીએ છીએ. સુપ્રીમકોર્ટે પંજાબના સચિવને પ્રશ્ન કર્યો તમોએ પરાળી બાળવાને રોકવા માટે શું પગલાં લીધા છે ? દૂષિત પાણી બાબતે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું કે, કે લોકોને શુદ્ધ પાણી મેળવવાનો અધિકાર છે. દિલ્હી નરક કરતા પણ ખરાબ થઈ ગઈ છે. ભારતમાં જીવન એટલું સસ્તુ નથી. તમને ચૂકવણી કરવી પડશે. જો તમે કાર્ય નથી કરી શકતા તો તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી. તમે કહો પ્રત્યેક વ્યક્તિને કેટલા લાખનું વળતર આપવું જોઈએ ? તમે કોઈના જીવનને કેટલું મહત્ત્વ આપો છો. સુપ્રીમકોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને પણ કહ્યું કે દિલ્હીની ફેકટરીઓથી નીકળતા ધૂમાડા બાબતે તમે શું કર્યું એની માહિતી અમને આપો. છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણની માત્રામાં કોઈ ઘટાડો થયો નથી. આ સાથે સુપ્રીમકોર્ટે ચારેય રાજ્યોના સચિવોને શનિવારે હાજર રહેવા આદેશ આપ્યો.