(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૩
ગુરૂવારે રાજસ્થાન પોલીસે અલવરના બહુચર્ચિત રકબરખાન મોબ લિંચિંગ કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ગત વર્ષે જુલાઈ મહિનામાં અલવર જિલ્લામાં ઘટી હતી.
ચોથા આરોપી વિજયની જયપુરની મૂર્તિકલા કોલોનીમાંથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને અલવર લઈ જવાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પાંચમો આરોપી નવલ કિશોર હજુ પણ ફરાર છે.
આ અગાઉ ધર્મેન્દ્ર યાદવ, નરેશ સિંઘ અને પરમજીત સિંઘ નામના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ર૦ જુલાઈ ર૦૧૮ના રોજ અલવરના લાલા વંડી નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી ખાન અને તેનો મિત્ર અસલમ બે ગાયને લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ગૌ તસ્કરીની શંકાને આધારે ટોળા દ્વારા તેમના પર હિંસા આચરવામાં આવી હતી.