અમદાવાદ, તા.૨૯
ભારતીય સામાજિક વ્યવસ્થામાં જાતિગત ભેદભાવોને લઈને અનેકવાર હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે તે વાત વિહિત છે, ત્યારે માણસો નહીં પણ એક જ જાતિના પશુઓ વચ્ચે ન્યાય પ્રક્રિયા અંતર્ગત જોવા મળતા ભેદભાવ અંગેને લઈ ન્યાયમાં સમાનતા માટે સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, જેની સુપ્રીમે નોંધ લઈ કડક સજાની જોગવાઈ કરી છે. શેરીમાં રખડતાં કૂતરાને પજવવામાં કે તેની હત્યા કરવામાં માત્ર પ૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે પાળેલા કૂતરાને મારવાનો કે તેની હત્યાના કેસમાં પાંચ વર્ષની જેલની સજા અપાય છે. આવી વિસંગતતા અને પ્રાણીઓમાં ભેદભાવને દૂર કરવા ખુદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરી કૂતરાની હત્યા કે મારવા બદલ કડક સજાની જોગવાઈ કરી છે. ભારતના વર્તમાન કાયદા મુજબ કોઈ વ્યક્તિ જો પાળેલા કૂતરાને મારે તો તેને પાંચ વર્ષ જેટલી જેલની સજા થાય છે, પણ તે જો શેરીમાં રખડતાં કૂતરાને મારે તો તેને માત્ર પ૦ રૂપિયાનો દંડ થાય છે. આ કારણે રખડું કૂતરાની હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં જંગલી કૂતરા કરડવાના કારણે ૧૩ બાળકોનાં મોત થયા, તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેંકડો રખડું કૂતરાને મારી નાખવામાં આવ્યા હતા. પ્રાણીઓના અધિકારો માટે લડતી સંસ્થાએ આ હત્યાકાંડ અટકાવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, ઈન્ડિયન પિનલ કોડની ૪ર૮મી કલમમાં પાળેલા પ્રાણી બાબતમાં પણ ભેદભાવો કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ ૧૦ રૂપિયાની કિંમત ધરાવતા પ્રાણીની હત્યા કરે તો તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે, પણ તે પ૦ રૂપિયાની કિંમત ધરાવતા પ્રાણીની હત્યા કરે તો તેને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવે છે. કાયદામાં જીવતા પ્રાણીના કોઈ અધિકારો માન્ય કરાયા નથી. કાયદામાં રહેલી આ વિસંગતી દૂર કરવા એક બિનસરકારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ સંગઠનના વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અને જસ્ટિસ શિવા કિર્તીસિંહની બેન્ચને જણાવ્યું હતું કે, “બંધારણની પ૧એ(જી) કલમ દ્વારા આપણને તમામ જીવોની અનુકંપા કરવાની ફરજ બતાડવામાં આવી છે. તેની અવહેલના કરતા હોય તેમ રખડું કૂતરાની હત્યા માટે માત્ર પ૦ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જેલની સજાની જોગવાઈ નથી.” વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણની દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, રખડું પશુઓ સામેના અત્યાચારોને રોકવા માટે વધુ કડક કાયદાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર ઉપર નોટિસ કાઢવામાં આવી છે કે, પશુઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા માટે સખત સજા કરવાનો કાયદો ઘડવા બાબતમાં તે પોતાની પ્રતિક્રિયા જણાવે.
શેરીમાં રખડતાં કૂતરાંઓને માર માર્યો તો તમારી ખેર નથી

Recent Comments