(એજન્સી) રક્કા,તા.૨૨
સીરિયાના શહેર રક્કામાં ઇસ્લામિક સ્ટેટના ક્ષેત્રમાં યુએસની આગેવાનીમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૪૨ નાગરિકોનાં મોત નિપજ્યા છે.
આ હુમલામાં નવ બાળકો અને ૧૨ મહિલાઓનાં મોત થયાં હતાં. રક્કામાં દાઇશના આતંકીઓને લડત આપી રહેલ યુએસની આગેવાની ધરાવતાં ગઠબંધને એક અઠવાડિયામાં કરેલા શ્રેણીબદ્ધ હવાઇ હુમલામાં આશરે ૧૦૦થી પણ વધુ સીરિયનોનાં મોત થયા છે. માનવઅધિકારો માટેની સીરિયન ઓબ્ઝર્વેટરીએ નોંધ્યું કે ૧૪ ઓગસ્ટથી લઇને ૨૧ ઓગસ્ટ સુધીમાં યુએસની આગેવાની હેઠળના શહેર વિરુદ્ધના હવાઇ હુમલામાં ૪૦ સગીરો અને ૨૫ મહિલાઓ સહિત ૧૨૫ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બ્રિટન આધારિત નિરીક્ષણ સમૂહે કહ્યું કે રવિવારે યુએસની આગેવાની હેઠળના સૈન્ય વિમાને હરાહ અલ-બહાઉમાં હવાઇ હુમલોે કરતાં સાત બાળકો અને છ મહિલાઓ સહિત ૨૭ લોકોનાં મોત થયાં હતા. યુએન સચિવને સીરિયાના વિદેશમંત્રાલયે પત્ર લખ્યો હતો અને સીરિયનો વિરુદ્ધ યુએસની આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા થતા ગુનાઓનો અંત લાવી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સ્થાપવા અંગેની તેેમની જવાબદારી નિભાવવા સંયુક્ત રાષ્ટ્રોનું આહવાન કર્યું હતું.