નવીદિલ્હી,તા.૫
સતત યુધ્ધવિરામનો ભંગ કરી રહેલ પાકિસ્તાનની વિરૂધ્ધ ભારતે કડક વલણ અપનાવ્યું છે.પાકિસ્તાનને ખબરદાર કરતા કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કડક ચેતવણી જારી કરી છે. રક્ષા મંત્રીએ કહ્યું છે કે ભારત યુધ્ધવિરામનું સમ્માન કરે છે પરંતુ અમને ઉશ્કેરવામાં આવશે તો અમે પણ કડક જવાબ આપવામાં પીછે હટ કરીશું નહીં.
તેમણે કહ્યું કે પાકિસ્તાનને પોતાની નીતિમાં પરિવર્તન કરવું પડશે. રક્ષા મંત્રીએ કહ્યુ ંકે સરહદ પર આતંકી ગતિવિધિઓ અને સંવાદ એક સાથે થઇ શકે નહીં. દિલ્હીમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓને લઇ બોલાવવામાં આવેલ એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ઉપરોકત વાત કહી હતી.તેમણે કહ્યું કે અમારૂ કામ દેશની સીમાઓની રક્ષા કરવાનું છે.
પત્રકાર પરિષદ દરમિયાન રક્ષામંત્રીને પુછવામાં આવ્યું હતું કે શું રમઝાન યુધ્ધવિરામને સફળ માને છે.તેના જવાબમાં તેમણે કહ્યું કે આ સફળ રહ્યું કે નહીં તે નક્કી કરવાનું કામ રક્ષા મંત્રાલયનું નથી અમારૂ કામ સીમાઓની રક્ષા કરવાનું છે અને જો અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો અમે અટકીશું નહીં. તેમણે કહ્યું કે અમારે તૈયાર રહેવું પડશે કે હુમલાનો જોરદાર જવાબ આપવામાં આવે. દેશની રક્ષા અમારૂ કર્તવ્ય છે.
રાફેલ ડીલને લઇ વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવી રહેલ સવાલો પર તેમણે કહ્યું કે વિરોધ પક્ષના તમામ આરોપો બેબુનિયાદ અને નિરાધાર છે.આ ડીલમાં એક પૈસાનું પણ કૌભાંડ થયુ નથી.આ બે સરકારોની વચ્ચેનું એગ્રીમેંટ છે તેમણે કહ્યું કે રાફેલ વિમાનની કીમતને લઇ ખોટી સરખામણી કરવામાં આવી રહી છે આ ડીલમાં કોઇ કૌભાંડ થયુ નથી. રક્ષા મંત્રીએ કહ્યું કે હાલ સેનાની પાસે હથિયારોની કોઇ કમી નથી રાફેલ ડીલને લઇ ઉઠાવવામાં આવી રહેલ વિપક્ષના આરોપો ખોટો છે તેમણે કહ્યું કે સેનાની પાસે હજું ફંડની કોઇ કમી નથી.તેમણે તેના આંકડા પણ રજુ કર્યા હતાં.