અમદાવાદ, તા.૯
અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સ્ટાફને રખડતા ઢોરો પકડતી વખતે થતાં હુમલાઓથી રક્ષણ અપાવવા રાજ્ય સરકાર પાસે સુરક્ષા જવાનોની માગણી કરતાં રાજ્ય સરકારે મ્યુનિ. તંત્રને એસઆરપીની બે કંપની કાયમી ધોરણે ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને અટકાવવા હાઈકોર્ટના કડક વલણ બાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવ્યું હતું અને રખડતા ઢોરોને પાંજરે પૂરવાની શરૂઆત કરી હતી પરંતુ પૂરતી સુરક્ષાના અભાવે ઢોર ત્રાસ અંકુશ વિભાગના કર્મચારીઓ પર અવારનવાર હુમલાના બનાવો બનતા હોવાથી આ કામગીરી નબળી પડી હતી. આથી મ્યુનિ. કોર્પો.ને રાજ્ય સરકાર પાસે હથિયારધારી એસઆરપીના જવાનોની સુરક્ષા પૂરી પાડવા માગણી કરી હતી. મ્યુનિ.ની માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કોર્પોરેશનને રખડતા ઢોર પકડવા જવા એસઆરપીની બે કંપની કાયમી ધોરણે ફાળવવાનો નિર્ણય કર્યો છે પરિણામે કર્મચારીઓને પુરતી સુરક્ષા મળી રહેતા આ કામગીરીને વેગ મળશે.