(એજન્સી)
નવી દિલ્હી,તા.ર૩
બાબરી મસ્જિદ શહીદી કેસની ટ્રાયલ ચલાવી રહેલ સીબીઆઈ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે પોતાના માટે સુપ્રીમ કોર્ટ પાસે રક્ષણની માંગણી કરી છે. ઉત્તરપ્રદેશ સરકારને આ પ્રકારની વિનંતી કરનારાઓ પાંચ જજોમાંના એક જજ સુરેન્દ્ર યાદવ છે.
સુપ્રીમ કોર્ટના જજો આરએફ નરીમાન અને સુર્યકાંતે કહ્યું કે જજ યાદવે એમની વિનંતી પત્ર દ્વારા ર૭મી જુલાઈએ મોકલી આપી હતી. સુપ્રીમ કોર્ટે ઉ.પ્ર. સરકારને આ બાબત બે અઠવાડિયામાં વિચારણા કરી પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું છે. જજોએ કહ્યું કે યાદવની વિનંતી યોગ્ય છે.
જજ યાદવ ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે કોર્ટે રાજય સરકારને ગયા મહિને જણાવ્યું હતું કે એ યાદવનો કાર્યકાળ ટ્રાયલ પૂર્ણ થતા સુધી વધારી આપે પણ યોગી સરકારે હજુ સુધી આદેશ આપ્યો નથી. ૧૯મી જુલાઈએ સુપ્રીમ કોર્ટે સીબીઆઈની સ્પે.કોર્ટને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો ૯ મહિનામાં આપી દે. ૧૯ જુલાઈ ર૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે રોજેરોજ સુનાવણી કરવા કહ્યું હતું અને સુનાવણી બે વર્ષમાં પૂર્ણ કરવા કહ્યું હતું. આ કેસના આરોપીઓમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી સમેત અન્ય મોટા રાજકીય નેતાઓ છે.
ર૦૧૭માં કોર્ટે એમની સામે ષડયંત્રના આક્ષેપો પુનઃ સ્થાપિત કર્યા હતા. જે નેતાઓને છોડી મુકાયા હતા એમની સામે પણ આક્ષેપો પુનઃ સ્થાપિત કર્યા હતા.