મોરબી, તા.ર૯
વાંકાનેરમાં થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી જીતુ સોમણીએ વાંકાનેર સરકારી રેફરલ હોસ્પિટલના ડોકટર જયદીપ ગોસાઈને ફડાકા મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે ત્યારે ડોકટરના સમર્થનમાં ગૌસ્વામી સમાજે રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ભાજપ અગ્રણી જીતુ સોમાણીના સમર્થનમાં અને ડોક્ટરની જોહુકમી તેમજ તેમના દ્વારા કરાતા અણઘડ વહીવટના વિરોધમાં વાંકાનેરમાં એક વિશાલ રેલી નીકળી હતી અને વાંકાનેર પ્રાંત અધિકારીને ડોકટર વિરૂદ્ધ આવેદન આપવામાં આવ્યું હતું. વાંકાનેરમાં આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો અને આગેવાનો જોડાયા હતા જેમાં રેલી બાદ પ્રાંત અધિકારીને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી, શહેર ભાજપ પ્રમુખ દિનુ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રમેશ વોરા, યોગેન્દ્રસિંહ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેકટર એન.એફ. વસાવાને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ડોકટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મુજબ ડૉ. જયદીપ ગોસાઈ એમડી ડોકટર છે. પરંતુ ૨૦૦૬ની સાલથી આ ડોક્ટરે કોઈનો કાડિયોગ્રામ કાઢેલ નથી વાંકાનેર હોસ્પિટલમાં રોજના અંદાજે ૨૦-૨૫ હૃદયરોગના દર્દીઓ આવે છે. અહીં કાડીઓગ્રામ મશીનની વ્યવસ્થા નથી એમ જણાવીને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. વાંકાનેર હોસ્પિટલમાં ૩ એમ્બ્યુલન્સ છે પરંતુ ડીઝલના વાંકે આ સેવા અનિયમિત ચાલે છે. ૨૦૧૭ની સાલમાં ડિઝલનું બિલ ન ચૂકવવાને કારણે પુરા વર્ષ દરમ્યાન એમ્બ્યુલન્સ સેવા બંધ હાલતમાં રહી હતી. આ બાબતે વાંકાનેરના સામાજિક આગેવાન અમુભાઈ ઠકરાણી રજુઆત કરવા જતા ડોક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરી તમે વધુમાં વધુ મારી બદલી જ કરાવી શકશો ને ? એવો જવાબ આપી પોતાનો પાવર દર્શાવ્યો હતો. કર્મચારીઓના પગાર ૩-૩ માસથી કરવામાં આવ્યા નથી જેની લેખિત ફરિયાદ પણ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. ગોસાઈના મોરબીના કાર્યકાળ દરમ્યાન પણ તેઓ વિરૂદ્ધ અનેકવાર ફરિયાદો થઈ હતી. આ ડોકટર વિરૂદ્ધ જો હવે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાંકાનેરવાસીઓ આમરણાંત ઉપવાસ પર ઉતરશે એવી ચીમકી આવેદનપત્રના અંતે અપાઈ છે.