(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ભાજપના મહાસચિવ રામ માધવે પરોક્ષ રૂપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. માધવે કહ્યું કે, હાલની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ તેમની તાકાત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું છે ? તેવા સવાલના જવાબમાં રામ માધવે કહ્યું કે, આ વાત કોંગ્રેસના કાર્યકરોએ નક્કી કરવાની છે કે તેમના નેતૃત્વથી લાભ થયો કે નહીં. તે અંગે અમે ટિપ્પણી કેવી રીતે કરી શકીએ ? રામ માધવે રામમંદિર અંગે કહ્યું કે, આ મુદ્દે વટહુકમનો વિકલ્પ હંમેશા રહ્યો છે પરંતુ હાલમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે ૪ જાન્યુઆરીએ સુનાવણીની તારીખ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટની માફક સુનાવણી કરશે અને ઝડપી નિકાલ લાવશે. તેમ નહીં થાય તો અન્ય વિકલ્પો પર વિચાર થશે. તેમણે કહ્યું કે, ગઠબંધનની રાજનીતિ બધાને સાથે લઈને ચાલવાની હોય છે. ભાજપ તે માટે તૈયાર છે. કેટલાક એનડીએના સાથી પક્ષો કુશવાહાએ સાથ છોડી દીધો પરંતુ અમે નવા સહયોગીઓની તલાશમાં જે પૂર્વોત્તર અને દક્ષિણના હશે. ટ્રિપલ તલાક મુદ્દે માધવે કહ્યું કે, લૈંગિક સમાનતા અને ન્યાયનો મુદ્દો ઉઠાવવા માટે આ વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક નિર્ણય છે. મુસ્લિમ સહિત નાગરિક સમાજે મોટાભાગે તેનું સ્વાગત કર્યું છે. આ મુસ્લિમ મહિલાઓ માટે વરદાન છે. મુદ્દો સંસદ સમક્ષ છે. વિશ્વાસ છે કે તે અંગે અર્થપૂર્ણ ચર્ચા થશે. રામ માધવે કહ્યું કે, જો રાહુલ ગાંધી હાલની જીતના કારણે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોઈ શકે તો મહાગઠબંધનની જરૂર નથી. સ્ટાલીન સિવાય કોઈ પક્ષ મહાગઠબંધના નેતાના નામની પૃષ્ઠિ કરવા તૈયાર નથી. વડાપ્રધાન પદની દોડમાં છ નેતાઓ છે.