(એજન્સી) તા.૪
યુનાઈટેડ સિટીઝન ફોરમ દ્વારા સુંદર્યા વિજ્ઞાના કેન્દ્રમ, બાગ લિંગામપલ્લી ખાતે આયોજિત ‘ધ જર્ની ઓફ ડેમોક્રેસી’ નામની ચર્ચા સભામાં જાણીતા સામાજિક કર્મશીલ રામ પુનિયાનીએ તેમના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે “આર.એસ.એસ. એક અફવાઓ ફેલાવનાર સમાજ છે. અને તેનો લક્ષ્ય છે મનુસ્મૃતિના સિદ્ધાંતો લાગુ કરી લોકશાહી દેશને હિન્દુ રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવું. આ એ લોકો છે જેમણે ભારતની સ્વતંત્રતા માટે લડવાને બદલે બ્રિટીશરોની ગુલામી પસંદ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવી કે જેથી તેઓ મનુસ્મૃતિ લાગુ કરી શકે. જ્યાં સુધી સભ્ય સમાજના લોકો આર.એસ.એસ. વિરૂદ્ધ તેમનું અભિયાન ચાલુ રાખશે ત્યાં સુધી તે તેના પ્રયત્નોમાં સફળ નહી થાય.” પુનિયાનીએ કહ્યું હતું કે મ્યાનમારની કટ્ટરવાદી પ્રવૃત્તિઓ, પાકિસ્તાનનો ઈસ્લામિક કટ્ટરવાદ અને ભારતના હિન્દુ કટ્ટરવાદ વચ્ચે કોઈ ફેર નથી. આ ત્રણે વિચારધારાઓ તેમના વિચારો બીજા પર લાગુ કરવા માંગે છે અને સમાજમાં નફરતનું વાતાવરણ ઉત્પન્ન કરી રાજકીય લાભ ખાટવા માંગે છે તેમણે કહ્યું કે આ ત્રણેય વિચારધારાઓ દરેક દૃષ્ટિકોણથી નિંદનીય છે. ભગતસિંહ આંબેડકર અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરી પુનિયાનીએ કહ્યું હતું કે આ ત્રણેય લોકો નાગરિકો વચ્ચે દેશભક્તિ, સમાનતા અને બંધુત્વના વિચારો ઉત્પન્ન કરવા માંગતા હતા જ્યારે તેની વિરૂદ્ધ આપણે જ્યારે સાવરકર અને ઝીણાના રાષ્ટ્રવાદ વિશે વાત કરીએ તો આપણા ધ્યાનમાં આવશે કે તેમણે દેશના વિકાસ માટે કોઈ કાર્ય કર્યું નથી અને સમાજને વિભાજિત કરવા માટે બંને સરખા વિચારો ધરાવતા હતાં. પુનિયાનીએ કહ્યું કે કર્ણાટકથી ભાજપના સાંસદે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે કે ભાજપ બંધારણને બદલવા માટે સત્તા પર આવી છે.