(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ-રહીમને બળાત્કારના એક કેસમાં શુક્રવારે પંચકુલાની સીબીઆઈ કોર્ટે દોષિત ઠરાવ્યા હતા. ડેરા સચ્ચાના પ્રમુખના પ કરોડ અનુયાયીઓ દેશભરમાં છે. સીબીઆઈ કોર્ટે રેપ કેસમાં ચુકાદો સંભળાવ્યો કે તરત જ અનુયાયીઓએ ઠેર-ઠેર હિંસા શરૂ કરી હતી.
ડેરા સચ્ચા સૌદાની ૧૦ મહત્ત્વની જાણકારી
૧. ડેરા સચ્ચા સૌદા પંથની ૧૯૪૮માં શાહ મસ્તાના બ્લુચિસ્તાનીએ સ્થાપના કરી હતી ત્યારબાદ શાહ સતનામ ૧૯૬૦માં તેમના અનુયાયી બન્યા હતા.
ર. ૧૯૯૦માં સતનામે ગુરમીત રામ-રહીમને ગાદી સોંપી હતી. ગુરમીતની આગેવાની હેઠળ ડેરા સચ્ચાના અનુયાયીઓની સંખ્યા ર૭ વર્ષમાં ૧૦ લાખથી વધી પ કરોડ થઈ.
૩. સીબીઆઈએ ગુરમીત રામ-રહીમ સામે ચાર્જશીટ દાખલ કરતાં ગુરમીત રામ-રહીમે તેમના પુત્ર જસમીતને તેમના અનુગામી ડેરાના વડા તરીકે નિમણૂક કરી. જસમીત પૂર્વ કોંગી ધારાસભ્ય હરમિન્દરસિંહની પુત્રી સાથે પરણ્યા છે.
૪. ડેરા સચ્ચાના આશ્રમ હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, છત્તીસગઢ, એમ.પી. સહિત ઘણા રાજ્યોમાં છે. તેનું વડુમથક હરિયાણાના સીરસા મુકામે છે. મુખ્ય કેમ્પસ ૭૦૦ એકરમાં છે.
પ. ડેરા સચ્ચા સૌદાનો દાવો છે કે સંસ્થાની આવકનો સ્ત્રોત ગુરમીતના મ્યુઝિક આલબમ અને ફિલ્મો છે. ડેરા સચ્ચાએ ફેબ્રુઆરીમાં ૧પ૦ આઈટમોના વેચાણ સાથે ઓનલાઈન માર્કેટમાં પ્રવેશ કર્યો હતો.
૬. એક પત્ર દ્વારા ર૦૦રમાં તાત્કાલિક વડાપ્રધાન વાજપેયીને ગુરમીત સામે બળાત્કારની ફરિયાદ મળતાં તે પંજાબ હાઈકોર્ટ સીબીઆઈને તપાસ સોંપી હતી અને ગુનો દાખલ કરાયો હતો.
૭. ૮ વર્ષની તપાસ બાદ સીબીઆઈ કોર્ટે રામ-રહીમને બળાત્કારના આરોપસર દોષિત માન્યા હતા.
૮. રામ-રહીમ પોતાની જાતને ભગવાનના દૂત માને છે. તેમના ટ્‌વીટર એકાઉન્ટ પર તેઓ એક પવિત્ર સંત દર્શાવાયા છે. આ ઉપરાંત મહાન પરોપકારી, લેખક, ગીતકાર, સંગીતકાર વર્ણવ્યા છે.
૯. રામ-રહીમના ભક્તોનો દાવો છે કે, તેમણે સિંગલ ફિલ્મમાં વધુમાં વધુ ભૂમિકા અદા કરી છે. ૪૩ પાત્રો એમએસજી-રમાં ભજવ્યા છે. ર૦૧૬માં રામ-રહીમને અભિનેતા, નિયામક અને લેખક તરીકે દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો.
૧૦. રામ-રહીમે વૈશ્વિક કક્ષાએ ઘણા આલબમ રેકોર્ડ કર્યા છે. તેમનો છેલ્લો મ્યુઝિક આલબમ હાઈવે લવ ચાર્જર છે. ૩ વર્ષમાં તેની ૩૦ લાખ કોપી વેચવાનો દાવો કરે છે. રામ-રહીમે રેલીજીયસ રોક મ્યુઝિકનું સર્જન કરી ૧૦૦ રોક શો કર્યા છે.