(એજન્સી) ચંદીગઢ, તા.ર૩
ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ-રહીમસિંઘ સામે બળાત્કારના કેસનો ચુકાદો રપમી ઓગસ્ટે જાહેર થવાનો છે. જેના પગલે કાયદો-વ્યવસ્થા સાચવવા હરિયાણા સરકારે પ્રતિબંધનાત્મક આદેશો બહાર પાડ્યા છે. વધારાના સચિવ રામનિવાસે જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ કાયદો-વ્યવસ્થા બગાડવા પ્રયાસો કરશે એની સામે સખ્ત પગલાં લેવામાં આવશે. ભૂતકાળમાં પણ એવી ૪ મોટી ઘટનાઓ બની હતી. જેમાં જાતે બની બેઠેલ ભગવાન જેવા ગુરૂઓને સંરક્ષણ અને સમર્થન આપવા એમના અનુયાયીઓ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા જે સંઘર્ષો હિંસક બન્યા હતા.
જ્યારે પોલીસે રામપાલના આશ્રમને ધમરોળ્યું હતું
નવેમ્બર ર૦૧૪માં પોલીસને પ મૃતદેહો રામપાલના આશ્રમમાંથી મળ્યા હતા જ્યારે પોલીસે આશ્રમમાં રામપાલની ધરપકડ માટે દરોડાઓ પાડયા હતા. હરિયાણાના હિસ્સારમાં ધર્મગુરૂ રામપાલનો આશ્રમ આવેલ છે. પોલીસ કોર્ટના આદેશથી રામપાલની ધરપકડ કરવાની હતી પણ એની ધરપકડનો વિરોધ એમના સમર્થકો કરી રહ્યા હતા. સમર્થકો પાસે ઘાતક હથિયારો પણ હતા. પોલીસ અને સમર્થકો વચ્ચે થયેલ સંઘર્ષમાં પાંચ વ્યક્તિઓના મોત થયા હતા. પછીથી આશ્રમમાંથી સમર્થકો બહાર આવ્યા હતા અને જણાવ્યું હતું કે એમને ઈચ્છા વિરૂદ્ધ આશ્રમમાં ગોંધી રખાયા હતા.
મથુરામાં ધાર્મિક નેતાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ હિંસક બન્યું હતું
એપ્રિલ ર૦૧૪માં રામવૃક્ષ યાદવે મથુરા પાસે આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હતો અને એ કબજો છેલ્લા કેટલાક વર્ષોથી એમની પાસે હતો જ્યાંથી એ ક્રાંતિ સેના ચલાવી રહ્યો હતો. પોતાને એ સુભાષચંદ્ર બોઝની વિચારસરણી ધરાવતો હોવાનો દાવો કરતો હતો. એના પણ ઘણા બધા સમર્થકો હતા. જે રાઈફલો, બંદૂકો અને અન્ય ઘાતક હથિયારો ધરાવતા હતા. કોર્ટના આદેશથી પોલીસ જમીન ખાલી કરાવવા ગઈ હતી પણ એના સમર્થકો ત્યાંથી ખસવા તૈયાર ન હતા. સંઘર્ષ થયો જેમાં ર૪ વ્યક્તિઓના મોત થયા અને રામવૃક્ષ યાદવ પણ મૃત્યુ પામ્યા. એ સંઘર્ષમાં મથુરાના પોલીસ અધિક્ષક પણ મૃત્યુ પામ્યા હતા.
આસામની ધરપકડ વખતે થયેલ સંઘર્ષ
ર૦૧૩ના સપ્ટેમ્બર મહિનામાં ઈન્દોર ખાતેના આશ્રમમાંથી આસારામની ધરપકડ કરવા પોલીસ ગઈ હતી. એની ઉપર બળાત્કારોના આક્ષેપો હતા. આસારામના હજારો સમર્થકો ધરપકડનો વિરોધ કરવા ભેગા થયા હતા. આઠ કલાકના સંઘર્ષના અંતે પોલીસે આસારામની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ અને સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો હતો.
ગુરમીત રામ-રહીમના સમર્થકો અને શીખો વચ્ચેનો સંઘર્ષ
મે ર૦૦૭ના વર્ષમાં રામ-રહીમના સમર્થકો અને શીખો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. રામ-રહીમે ગુરૂગોવિંદસિંઘની નકલ કરી હતી જેથી શીખો છંછેડાયા હતા. ધર્મ નિંદાનો કેસ નોંધાયો હતો જે પાછળથી પાછો ખેંચાયો હતો પણ તે વખતે પંજાબ અને હરિયાણામાં હિંસક અથડામણો થઈ હતી જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા અને સેંકડો ઘવાયા હતા. પ૦ પોલીસો પણ ઘવાઈ હતી.
રામ-રહીમ બળાત્કારનો ચુકાદો : કોર્ટ કેસો સંદર્ભે પોલીસ અને ભગવાન બની બેઠેલ ગુરૂઓ વચ્ચે સંઘર્ષ હિંસક બન્યા હતા એવી ૪ ઘટનાઓ

Recent Comments