અમદાવાદ,તા.૫
દિવાળી દરમિયાન ચોરી અને લૂંટના બનાવો અટકાવવા માટે રાજ્ય પોલીસવડા દ્વારા સૂચના આપવામાં આવી છે. રોડ પર સતત પેટ્રોલિંગ કરવાના આદેશ છતાં અમદાવાદના બારેજા વિસ્તારમાં સોનીના વેપારી સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાણીપમાં રહેતા અને બારેજામાં સોનીની દુકાન ધરાવતા વેપારી બારેજા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે કારનું પંચર બનાવડાવતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારીને રમકડાંની ગન બતાવી અને સોનાના દાગીના અને રોકડ રૂ. એક લાખ સહિતની રૂ ૩.પ૦ લાખની મતાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી રાણીપના અર્જુન આશ્રમરોડ પર આવેલા સુવર્ણ એપાર્ટમેન્ટ-ર-માં રહેતા ભાગ્યવાન શાહ અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં સોના-ચાંદીની દુકાન ધરાવે છે. રાતે ભાગ્યવાન દુકાન બંધ કરી ઘર તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાનમાં બારેજા ચોકડી પાસે તેમની કારમાં પંચર પડ્યું હતું. કારમાં પંચર પડતાં તેઓ પેટ્રોલ પંપ પાસે પંચર કરાવવા ઊભા હતા. દરમ્યાનમાં એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સ આવ્યા હતા. એક શખ્સે તેની પાસે રહેલી રમકડાં જેવી ગન ભાગ્યવાનને બતાવી હતી. ત્યાં હાજર પંચર બનાવતો કારીગર અને ભાગ્યવાન ગભરાઈ ગયા હતા. લૂંટારુઓ કારનો કાચ તોડી અને પાછળની સીટમાં રહેલા બે સોનાનાં મંગળસૂત્ર, પાંચ સોનાની ચેઈન અને રૂ. એક લાખ લઈ નાસી ગયા હતા. અસલાલી પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.