(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
ગુજરાતમાં ૧૯૬૧ બાદ પ૮ વર્ષના લાંબા અરસા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક મળી હતી. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ભવન ખાતે મળેલી બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ડૉ. મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચીન પાયલોટ, કુમારી શૈલજા, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના ૭૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનાવવા રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠક અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠકમાં ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતી વર્ષ, દાંડી કૂચની ૮૯મી વર્ષગાંઠ તથા જલિયાવાલા બાગને ૧૦૦ વર્ષને અનુલક્ષીને સ્મરણ કરવામાં આવ્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસની વિચારધારા પર દરેક નાગરિકોને અધિકાર, સુરક્ષા, સન્માન મળે તે અંગે તેમજ રાજનૈતિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. દેશ હુમલા સમયે સરકારની પડખે છે. ભલે ચૂંટણીનો સમય હોય પણ રાષ્ટ્રીય હિતમાં અમે એક છીએ.
– કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના વિચાર નિરંતર એક રહ્યા છે. સમાજના દરેક નાગરિકને તેમના હક અધિકાર અને સમ્માન મળે કોંગ્રેસે તેનું મહત્વ સમજતા આજની કારોબારીમાં તેના પરિપ્રેક્ષ્યને પુનઃ દોહરાવ્યો છે.
– કોંગ્રેસ કારોબારીમાં દેશમાં રાજકીય સંવાદમાં કડવાશ આવી ગઈ છે જેનો સીધો દોષ પીએમ મોદી અને ભાજપને જાય છે. રાષ્ટ્રીય એકતાનો પ્રશ્ન છે ત્યારે દેશના પીએમ દેશની પ્રજા વચ્ચે મતભેદ ઊભો કરી રહ્યા છે માત્ર ચૂંટણીલક્ષી રાજકારણને લીધે. બેઠકમાં તેની નિંદા કરવામાં આવી છે.
– પીએમ મોદીએ ભારતની પ્રજાની બુદ્ધિનું અપમાન ના કરવું જોઈએ. દેશના યુવા, ખેડૂતો અને તમામ નાગરિકોનું ધ્યાન વચનો પરથી હટાવવાનો ભાજપ અને પીએમ પ્રયાસ કરે છે. પરંતુ કોંગ્રેસ સરકાર પ્રજાનો અવાજ બનીને લોકોને યાદ અપાવશે કે લોકોને મૂરખ ના બનાવી શકાય અને તેમની સાથે વિશ્વાસઘાત ના કરી શકાય. દેશમાં રોજગારી સૌથી મોટી સમસ્યા છે. પાંચ વર્ષમાં ૧૦ કરોડ રોજગારીનું વચન આપવામાં આવ્યું હતું જે પુરું નથી થયું.
– ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળ્યા. દેશના બંધારણ પર સતત હુમલા થયા છે. કોંગ્રેસ દેશના પ્રજાતંત્રની મજબૂતીમાં વિશ્વાસ ધરાવે છે.
– કોંગ્રેસ અને મોદીના વચનોમાં મોટો તફાવત છે. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં સરકાર બાદ ખેડૂતોના દેવા માફ કર્યા. મોદી સરકારના નોટબંધી, જીએસટી સહિતના અણધડ નિર્ણયોથી લોકોને સહન કરવું પડ્યું છે. કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ થયો છે કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી સરકાર રચશે તો તે અર્થવ્યવસ્થાને મજબૂત કરશે તેમજ રોજગારીનું સર્જન કરશે અને યુવાઓને સક્ષમ બનાવવા અને દેશમાં વર્તમાન સમયે ફેલાયેલું ભયનું વાતાવરણ દૂર કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદથી દેશની સ્વાયત સંસ્થાઓ આરબીઆઈ, સીબીઆઈ, ઈડી પર સરકારે નિરંતર પ્રહારો કર્યા છે.
સુનિયોજિત રીતે આ સંસ્થાઓને કમજોર બનાવાઈ રહી છે. તેમને બરબાદ કરી રહી છે. આ સંસ્થાઓનો રાજનૈતિક પ્રતિશોધ માટે દુરૂપયોગ થઈ રહ્યો છે. જો કોંગ્રેસ ર૦૧૯માં સરકાર બનાવશે તો સાચી સરકાર આપશે, હાલ રાજકારણ નિમ્ન સ્તરે પહોંચી ગયું છે તે માટે વડાપ્રધાન જવાબદાર છે. પરંતુ કોંગ્રેસ બંધારણીય હક્કો જાળવી તમામનું રક્ષણ કરવાનો ધ્યેય રાખે છે.