(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
મુસ્લિમ બિરાદરો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે રહમતો, બરકતો અને ઈબાદતોના પવિત્ર માસ રમઝાનની પધરામણી થઈ ચૂકી છે. શાબાનના ૩૦ ચાંદના હિસાબે આવતીકાલ તા.૭-પ-ર૦૧૯ને મંગળવારથી રમઝાનની શરૂઆત થશે. આજે મગરીબની નમાઝ બાદ ચાંદ દેખાતા જ મુસ્લિમ બિરાદરોએ તરાવીહની નમાઝ સાથે ખાસ ઈબાદતની શરૂઆત કરી દીધી હતી. ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીએ જણાવ્યું છે કે ગત રોજ ર૯ શાબાન પ મે રવિવારના રોજ રમઝાનુલ મુબારકનો ચાંદ દેખાયો ન હોવાથી કે કોઈપણ જાતની શરઈ ગવાહી મળી ન હોવાથી ૩૦ ચાંદના હિસાબે રમઝાન માસની શરૂઆત ૭ મે ર૦૧૯ને મંગળવારથી થશે.
છેલ્લા ત્રણેક વર્ષથી રમઝાન માસ ગરમીમાં આવી રહ્યા છે તેમાંય આ વર્ષે તો મે મહિનાના રપ દિવસ રમઝાન માસમાં જ વિતવાના હોવાથી રોઝદારોની અગ્નિ પરીક્ષા થવાની છે. ઉપરાંત દિવસો પણ લાંબા હોવાથી સાડા ચૌદથી પંદર કલાકના રોઝા હશે. પરંતુ અલ્લાહના નેક બંદા અને જે લોકો સબ્ર કરવાવાળા છે તેઓ ગમે તેવા સંજોગોમાં પણ રોઝાનો ત્યાગ કરતા નથી. કારણ કે રમઝાન માસ આમેય સંયમ અને સબ્રનો પાઠ શીખવે છે. આજ રોજ રમઝાન માસનો ચાંદ નજર આવતા જ મુસ્લિમોમાં ઈબાદતનો જુસ્સો વધી ગયો હતો. વાર્ષિક નમાઝીઓથી મસ્જિદો ઉભરાઈ ગઈ હતી. પ્રથમ દિવસ હોવાથી તરાવીહની નમાઝમાં પણ નમાઝ પઢનારાઓની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. હવે આવતીકાલથી રોઝાની શરૂઆત થતા જ પાંચ સમયની નમાઝોમાં મસ્જિદો ઉભરાવા લાગશે. નફીલ નમાઝો, ઝીક્ર, કુર્આનેપાકની તિલાવત સહિતની ઈબાદતો હોંશભેર કરશે. જયારે અલ્લાહપાક જેમને બારે માસ નમાઝની અને ઈબાદતની તૌફીક આપે છે તેવા નેક બંદાઓ આ માસમાં તેમની ઈબાદતોમાં ખાસ કરીને રાત્રી સમયની ઈબાદતોમાં વધારો કરશે.
અલ્લાહપાકથી દુઆ છે કે, અલ્લાહત્આલા આ ભરગરમીમાં મુસ્લિમ બિરાદરોને રોઝા રાખવાની અને વધુમાં વધુ ઈબાદત કરવાની નેક તૌફીક આપે અને રમઝાન માસમાં શરૂ કરેલી ઈબાદતનો જઝબો બારેમાસ કાયમ રાખે તેવી નેક દુઆ….આમીન